ભારતે ન્યુઝીલેન્ડને ગઈકાલે રમાયેલી ODI World Cup 2023ની મેચમાં 4 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં કોહલીએ 104 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 95 રન બનાવ્યા હતા. તે સદીથી ચુકી ગયો હતો પરંતુ તેને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. કોહલીએ ICCની લિમિટેડ ઓવર ટુર્નામેન્ટ(Virat Kohli Become The 1st Batter To Reach 3000 Runs In ICC Limited Over Tournaments)માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તોડી દીધો છે. આ મામલે કોહલીએ વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે.

કોહલીએ ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો

વિરાટ કોહલીએ ICCના લિમિટેડ ઓવર ટુર્નામેન્ટમાં 3000 રનનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ કોહલી વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલથી આગળ નીકળી ગયો છે. ગેલે ICCના લિમિટેડ ઓવર ટુર્નામેન્ટમાં 2942 રન બનાવ્યા છે. ODI World Cup 2023માં કોહલીએ બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. તેણે 97 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 103 રન બનાવ્યા હતા. ટ પછી ઓસ્ટ્રેલિયાની સામે તેણે 85 રન અને અફઘાનિસ્તાન સામે 55 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કોહલીએ ગઈકાલે માર્ક ચેપમેન અને ડેરલ મિચેલનો કેચ પકડી વનડેમાં પોતાના 150 કેચ પૂરા કર્યા હતા. આ સાથે કોહલી વનડેમાં સૌથી વધુ કેચ પકડનાર ચોથો ખેલાડી બની ગયો છે.

વિરાટના નામે ODIમાં 48 સદી

વિરાટ કોહલીએ ભારત તરફથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વર્ષ 2008માં ડેબ્યૂ કર્યો હતો. કોહલીએ અત્યાર સુધી 111 ટેસ્ટ, 285 વનડે અને 115 T20I મેચ રમી છે. ટેસ્ટની 187 ઇનિંગ્સમાં વિરાટે 49.29ના સરેરાશથી 8676 રન બનાવ્યા છે. જયારે વનડેની 273 ઇનિંગ્સમાં 58ના સરેરાશથી 13,342 રન બનાવ્યા છે. જેમાં 48 સદી અને 68 ફિફ્ટી સામેલ છે. વિરાટના નામે 115 T20I મેચમાં 52.72ના સરેરાશથી 4008 રન છે, જેમાં એક સદી અને 37 ફિફ્ટી સામેલ છે.