ધર્મશાલામાં આજે ODI  World Cup 2023ની 15મી મેચ નેધરલેન્ડ્સ અને સાઉથ આફ્રિકા વચ્ચે થશે. આ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી રમાશે. ODI World Cup 2023માં આ મેદાન પર 2 મેચ રમાઈ છે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પ્રથમ મેચ લો સ્કોરિંગ હતી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 156 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. બાંગ્લાદેશે આ મેચ સરળતાથી જીતી લીધી હતી. જયારે ઇંગ્લેન્ડ-બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી મેચમાં ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 364 રન બનાવ્યા હતા. આ મેચમાં ઇંગ્લેન્ડે 137 રનથી જીત મેળવી હતી.

કેવો રહેશે આજે હવામાન

ધર્મશાલામાં છેલ્લા કેટલાક દિવસોથી હળવો વરસાદ પડી રહ્યો છે. આજનું હવામાન પણ આવું જ રહેવાનું છે. મળેલી માહિતી મુજબ આજે ધર્મશાલામાં વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે મેચ ધોવાઈ પણ શકે છે.

ધર્મશાલાની પિચ પર બોલર અને બેટર બંનેને મદદ મળે છે

ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પિચ પર બોલર અને બેટર બંનેને મદદ મળે છે. અહીંની પિચ સ્પિન બોલરોને મદદ કરે છે પરંતુ ફાસ્ટ બોલરોને અહીં મૂવમેન્ટ પણ મળે છે. આ મેદાનની બાઉન્ડ્રી નાની હોવાને કારણે બેટ્સમેનોએ પણ ઘણાં ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. એકંદરે આ એક પરફેક્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ છે.

બંને ટીમોમાં ફેરફારની શક્યતા ઓછી

નેધરલેન્ડ્સ અને સાઉથ આફ્રિકાની ટીમોમાં મોટા ફેરફારની શક્યતા ઓછી છે. સાઉથ આફ્રિકાની ટીમમાં તબરેઝ શમ્સીના સ્થાને જેરાલ્ડ કોએત્ઝીને તક મળી શકે છે. બીજી તરફ લોગન વાન બીક નેધરલેન્ડની ટીમમાં વાપસી કરી શકે છે. વાન બીક ઈજાના કારણે છેલ્લી મેચમાંથી બહાર થઇ ગયો હતો. તે આ મેચમાં રેયાન ક્લાઈનની જગ્યા લઈ શકે છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન

સાઉથ આફ્રિકા

ટેમ્બા બાવુમા (C), ક્વિન્ટન ડી કોક (wkt), રાસી વાન ડેર ડુસેન, એડેન માર્કરમ, ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, માર્કો યાનસન, કાગીસો રબાડા, કેશવ મહારાજ, લુંગી એનગીડી, તબરેઝ શમ્સી/જેરાલ્ડ કોએત્ઝી

નેધરલેન્ડ્સ

સ્કોટ એડવર્ડ્સ (C/wkt), વિક્રમજીત સિંહ, મેક્સ ઓ’ડાઉડ, કોલિન એકરમેન, બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, સિબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, રોએલ્ફ વાન ડેર મેરવે, લોગન વાન બીક/રેયાન ક્લાઈન, આર્યન દત્ત, પોલ વાન મીકરન