ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં આજે એનએસયુઆઈ દ્વારા શહેર ભાજપ કાર્યાલયની સામે જ શિક્ષણ મંત્રીના પૂતળાનુ દહન કરવામાં આવ્યુ હતુ. આ મામલામાં એનએસયુઆઈના 30 જેટલા કાર્યકરોની અટક કરવામાં આવી છે.

આ વિરોધ પ્રદર્શનમાં એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ પણ હાજર રહ્યા હતા.તેમનુ કહેવુ હતુ કે, દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફા કરીને સરકાર કરોડો રુપિયાનુ આંધણ કરી રહી છે. બીજી તરફ ગુજરાતમાં 1657 સરકારી સ્કૂલો માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. આવી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કેવી રીતે કરતા હશે તે વિચારવાનો વિષય છે. ગામડાઓમાં સ્કૂલોની સ્થિતિ ચિંતાજનક છે. કારણકે આ સ્કૂલોમાં મોટાભાગની સ્કૂલો ગામડામાં આવેેલી છે. જ્યારે 294 જ સ્કૂલો શહેર વિસ્તારની છે.

તેમનુ કહેવુ હતું કે, રાજ્યના સાત જિલ્લા પૈકી કચ્છમાં 213 સ્કૂલો, અમદાવાદમાં 98 સ્કૂલો, રાજકોટમાં 83 સ્કૂલો, બનાસગાંઠામાં 81, તાપીમાં 80, મહિસાગરમાં 77 , દ્વારકામાં 73 સ્કૂલો માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે.સરકારી સ્કૂલોમાં મોટાભાગે મધ્યમવર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. શિક્ષકોના અભાવે તેમના ભણતર પર અસર પડી રહી છે. બીજી તરફ જ્ઞાાન સહાયક યોજનાના નામે સ્કૂલોમાં કાયમીની જગ્યાએ કોન્ટ્રાક્ટ પરના શિક્ષકોની ભરતી કરીને સરકાર શિક્ષણની ગુણવત્તાને વધારે ખરાબ કરવા જઈ રહી છે. એનએસયુઆઈના આગેવાનોનુ કહેવુ હતુ કે, 32000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. બીજી તરફ ટેટ પરીક્ષા પાસ થયેલા 50000 જેટલા ઉમેદવારો કાયમી ભરતીના સપના જોઈ રહ્યા છે અને સરકાર 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકોની નિમણૂંક કરવા માંગે છે. 5612 સ્કૂલોને ઓછી સંખ્યાનુ કારણ આગળ ધરીને બંધ કરવા માટે સરકાર હિલચાલ કરી રહી છે.

– સયાજીગંજ મુખ્ય રોડ પર ટ્રાફિક જામથી લોકો હેરાન

દરમિયાન ભાજપ કાર્યાલયની બહાર એનએસયુઆઈના દેખાવોના કારણે ચક્કાજામની  સ્થિતિ સર્જાઈ હતી. કાર્યકરો રોડ પર જ બેસી ગયા હતા અને ભાજપ તેમજ સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. જેના કારણે રસ્તાની બંને તરફ ભારે ટ્રાફિક જામ થયો હતો. પોલીસ કાફલાએ સ્થળ પર જઈને કાર્યકરોની અટકાયત કર્યા બાદ સ્થિતિ સામાન્ય બની હતી.

– પ્રદેશ પ્રમુખને પોલીસ અધિકારી દ્વારા ગાળો ભાંડવાનો આક્ષેપ 

એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એસીપી દ્વારા પ્રદેશ પ્રમુખને પોલીસ મથકમાં ગાળો ભાંડવામાં આવી હતી અને તેમાં જાતિવાચક અપશબ્દો પણ સામેલ હતા. પ્રદેશ પ્રમુખ અને બીજા નેતાઓએ પોલીસ અધિકારીને કહ્યુ હતુ કે, તમારે જે કાર્યવાહી કરવી હોય તે કરો પણ ગાળો ના આપો…

– 2018 સ્કૂલોમાં ઈન્ટરનેટની સુવિધા જ નથી

એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં 2018 સ્કૂલોમાં ઈન્ટરનેટની સુવિધા જ નથી. જે સ્કૂલોમાં આ સુવિધા હોવાનો દાવો કરાય છે તે સ્કૂલોમાં ખરેખર ઈન્ટરનેટ કાર્યરત છે કે નહીં તે જોવાની જરુર છે. સંખ્યાબંધ સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબોરેટરીમાં કોમ્પ્યુટરો પણ ધૂળ ખાઈ રહ્યા છે.