આજવા રોડ મોરારીબાપુ સોસાયટીમાં રહેતા ભૂમિકાબેન મેહુલભાઈ પરમાર ઘર કામ કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 2018 ની સાલમાં મેં મારા પિતા દલસુખભાઈ જીતાભાઈ વાઘેલાની મરજી વગર મારા પતિ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને હાલમાં હું મારા પતિના ઘરે રહું છું. ગત 20મી સપ્ટેમ્બરે સવારે 9:30 વાગે હું ઘરે એકલી હતી તે દરમિયાન અમારી પાડોશમાં રહેતા રતિલાલ નરસિંહભાઈ સોલંકી તથા તેમના પત્ની ઉમિયાબેન આવ્યા હતા અને અહીંયા કચરો કેમ મૂકો છો તેમ કહી મારી સાથે બોલા ચાલી ઝઘડો કર્યો હતો. મેં તેઓને ઝઘડો ન કરવા સમજાવતા તેઓએ મને ગાળો બોલી મારી સાથે ઝઘડો કર્યો હતો અને ધમકી આપી હતી. જે તે સમયે મારા પતિએ મને ફરિયાદ નહીં આપવા માટે સમજાવતા અમે ફરિયાદ આપી ન હતી પરંતુ આ પાડોશી અગાઉ પણ મારી સાથે અવારનવાર ઝઘડો કરતા હતા જેથી આજે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામાન પક્ષે ઉમિયાબેન રતિલાલ સોલંકી ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું અને મારા પતિ નિવૃત્ત જીવન ગુજારીએ છીએ મારો દીકરો બેંક ઓફ બરોડામાં પટ્ટાવાળાની નોકરી કરે છે અમારી પાડોશમાં રહેતા મેહુલ પરમાર સયાજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટમાં સ્પીકર તરીકે નોકરી કરે છે અને દવાખાનામાંથી વેસ્ટિજ માલ સામાન પોતાના ઘરે લાવી નકામો સામાન ઘરની બહાર મૂકી રાખે છે જેથી સોસાયટીમાં ગંદકી ફેલાતી હતી. તેમના મમ્મી પણ પ્લાસ્ટિકની બોટલ વીણવાનું કામ કરતા હોય તે બોટલો થેલામાં ભરીને ઘરની બહાર રાખી ધમકી ફેલાવે છે. અમારું ઘર તેમની બાજુમાં હોવાથી 20મી તારીખે અમે ભૂમિકાબેનને સમજાવવા ગયા હતા ત્યારે તેઓ એકદમ ઉશ્કેરાઈને ઝઘડો કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તેમના જેઠે મારા પતિને મારી નાખવાની ધમકી આપી હતી અને ભૂમિકાબેનએ મારા પતિ નારણભાઈને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.