શિવસેના (Shiv Sena) (ઉદ્ધવ ઠાકરે જુથ)ના મુખપત્ર ‘સામના’ (Saamana)માં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar) પર તીખા પ્રહારો કર્યા છે. સામનામાં મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government)ના નાયબ મુખ્યમંત્રી અને શરદ પવાર (Sharad Pawar) સાથે બળવો કરી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો તોડનાર અજિત પવારને લઈ કટાક્ષ કરાયો છે. સામનાના સંપાદકીય લેખમાં જણાવાયું છે કે, અજિત પવાર મનમાની કરી ચૂંટણી પંચ (Election Commission) સામે એનસીપી પર દાવો કરી રહ્યા છે. ઠાકરે જુથના અખબારે આકરા શબ્દોમાં લખ્યું છે કે, કોઈપણ વ્યક્તિને કોઈપણ પાર્ટીના ધારાસભ્યો અથવા સાંસદોને માત્ર તોડવાથી પાર્ટીનો માલિકી હક્ક મળી જતો નથી.

‘એનસીપી પ્રમુખ શરદ પવાર તાનાશાહ’

સામનામાં વધુમાં જણાવાયું છે કે, અજિત પવારે ચૂંટણી પંચ સમક્ષ દાવો કર્યો છે કે, તેમના કાકા અને એનસીપી પ્રમુખ શરદ પવાર તાનાશાહ છે અને તેમણે પોતાની રીતે પાર્ટી ચલાવી… ઉપરાંત તેમાં એમ પણ કહેવાયું છે કે, એકનાથ શિંદે (Eknath Shinde) જૂથે પણ શિવસેનાને તોડવા ચૂંટણી પંચ સમક્ષ આવું જ કર્યું હતું. જો શિવસેના અને એનસીપીના વિરોધી જૂથો ચૂંટણી હારે તો તેમને પાર્ટીનું નામ અને ચિન્હ આપવાનો ચૂંટણી પંચનો નિર્ણય શંકાસ્પદ થઈ જશે.

શરદ પવારના કારણે EDથી બચ્યા અજિત !

સામનામાં જણાવાયું છે કે, કાકા શરદ પવારની આગેવાની હેઠળ એનસીપીના ગઠબંધનની સરકારમાં શરદ પવાર ઘણીવાર નાયબ મુખ્યમંત્રી બન્યા હતા અને શરદ પવારના કારણે જ EDએ અજિત પવારને હાથ લગાવ્યો નથી. જો અજિત પવારને પોતાની ક્ષમતા અને તાકાત પર વિશ્વાસ હોત તો તેમણે પોતાની જુદી પાર્ટી બનાવી હોત અને પ્રજા સાથે જનાદેશ માંગતા હોત, પરંતુ તેમણે ભાજપને પોતાનો નવો માલિક બનાવવાનો નિર્ણય કર્યો.

સામનામાં છગન ભુજબળ પર પણ કટાક્ષ

શરદ પવારની પાર્ટીએ છગન ભુજબળ (Chhagan Bhujbal)ને તે વખતે મંત્રી બનાવ્યા હતા, જ્યારે તેઓ જેલમાંથી મુક્ત થયા હતા. એટલું જ નહીં શરદ પવારે હસન મુશ્રીફ (Hasan Mushrif)ને પણ તે વખતે તક આપી હતી, જ્યારે તેઓ જેલ જવાની કગાર પર હતા. આ તમામ લોકો પાસે તે સમયે (જ્યારે તેઓ શરદ પવારની ટીમમાં હતા) શરદ પવારના કામકાજને ‘તાનાશાહી’ કહેવા માટે કશું ન હતું. ભુજબળ, મુશ્રીફ અને પ્રફુલ્લ પટેલે (Praful Patel) અજીત પવારની જેમ શરદ પવારને દગો આપ્યો અને ભાજપ સાથે હાથ મિલાવી લીધો.

…તો અજિત પવાર સાયકલ પર ફરતા હોત

સામનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પર કટાક્ષ કરતા જણાવાયું છે કે, જો શરદ પવારે અજિત પવારની મદદ ન કરી હોત તો તેઓ આજે બારામતીમાં સાયકલ પર ફરતા હોત…