આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહની ધરપકડ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હવે AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘર પર દરોડા પાડ્યા છે. આજે EDની ટીમ સવારે ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચી હતી. 

AAP ધારાસભ્ય અમાનતુલ્લા પર મોટી કાર્યવાહી 

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ પણ AAP ધારાસભ્ય અમાનતુલ્લા વિરુદ્ધ દિલ્હી વકફ બોર્ડની કામગીરીમાં નાણાકીય ગેરરીતિ અને અન્ય ગોટાળાને લઈ કેસ નોંધ્યો હતો. EDએ આ કેસમાં અમાનતુલ્લા વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

અમાનતુલ્લા ખાન પર આટલા આરોપો 

અમાનતુલ્લા ખાન પર દિલ્હી વકફ બોર્ડના અધ્યક્ષ તરીકે કામ કરતી વખતે નિયમોનું ઉલ્લંઘન કરીને 32 લોકોની ભરતી કરવાનો આરોપ છે. આરોપ એવો હતો કે, દિલ્હી વકફ બોર્ડ તરીકે AAP ધારાસભ્યએ ભ્રષ્ટાચાર અને પક્ષપાત કર્યો હતો. આ સિવાય દિલ્હી વક્ફ બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડે આપવામાં આવી હતી. તેમના પર દિલ્હી સરકારની અનુદાન સહિત બોર્ડ ફંડનો દુરુપયોગ કરવાનો પણ આરોપ હતો.