કલમ 370 રદ્દ કર્યા બાદ લદ્દાખની પ્રથમ ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો

30 બેઠકો ધરાવતી લદાખ કાઉન્સિલની ચૂંટણીમાં 4 સભ્યોને ઉપરાજ્યપાલ નોમિનેટ કરશે, 26 બેઠકો પર મતદાન થયું, કોંગ્રેસે 8 અને નેશનલ કોન્ફરન્સે 11 બેઠકો જીતી, ભાજપના ફાળે ફક્ત 2, મતગણતરી હજુ ચાલુ

ભાજપ ‘લિટમસ ટેસ્ટ’ સમાન ચૂંટણીમાં ફેલ 

કાઉન્સિલની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ (NC) અને કોંગ્રેસે પહેલાથી ગઠબંધનની જાહેરાત કરી હતી. જોકે એનસીએ 17 ઉમેદવાર અને કોંગ્રેસે 22 ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. કારગિલ ડિવિઝન નેશનલ કોન્ફરન્સનું ગઢ મનાય છે અને કોંગ્રેસ વિપક્ષ તરીકે મેદાને છે. ચૂંટણી પહેલાં ગઠબંધન એ ક્ષેત્રો સુધી જ મર્યાદિત રહેશે. કલમ 370 રદ કરીને પૂર્વના રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ લદાખ કાઉન્સિલની ચૂંટણીને ભાજપ માટે લિટમસ ટેસ્ટ તરીકે જોવાઈ રહી હતી. 

કોને કેટલી બેઠકો મળી? 

26 બેઠકો ધરાવતી લદાખ કાઉન્સિલની ચૂંટણીમાં હાલ ગણતરી ચાલુ છે. જોકે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ભાજપને ઘણો પાછળ કરી દીધો છે. અત્યાર સુધી જે 22 બેઠકો પર પરિણામ જાહેર થયા છે તેમાંથી કોંગ્રેસે 8 બેઠકો પર, નેશનલ કોન્ફરન્સે 11 બેઠકો પર જીત મેળવી છે જ્યારે ભાજપના ફાળે ફક્ત 2 જ બેઠકો આવી છે. એક બેઠક પર અપક્ષના ઉમેદવારે જીત મેળવી હતી. તેના પછી વોટિંગ અધિકાર ધરાવતા ચાર સભ્યોને ઉપરાજ્યપાલ નોમિનેટ કરશે.