ભારતીય ક્રિકેટમાં આજે થઈ હતી ધોની યુગની શરૂઆત

ધોનીને ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન કહેવામાં આવે છે. ભારતીય ટીમે ધોનીની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપ અને વનડે વર્લ્ડ કપની સાથે ચેમ્પિયંસ ટ્રોફી પણ જીતી હતી. ધોનીના ક્રિકેટ કરિયરમાં આજનો દિવસ ખુબ જ મહત્વપૂર્ણ છે. ધોનીએ વર્ષ 2007માં આજના દિવસે જ પાકિસ્તાન સામે કેપ્ટન તરીકે ડેબ્યૂ કર્યો હતો. ત્યારે ભારતે પાકિસ્તાન સામે ટાઈ મેચ બોલ આઉટમાં જીતી હતી અને 10 દિવસ પછી ભારત પાકિસ્તાનને જ ફાઈનલમાં હરાવી પ્રથમ T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.

ભારત-પાકિસ્તાન વચ્ચે 14 સેપ્ટેમ્બર 2007ના રોજ રમાયેલી T20 મેચ ખુબ જ રોમાંચક હતી. ભારતે આ મેચ ટાઈ થયા બાદ બોલ આઉટમાં જીતી હતી. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 141 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાન માટે આ સ્કોર મોટો ન હતો. પાકિસ્તાનને અંતિમ ઓવરમાં 12 રનની જરૂર હતી. મેદાન પર મિસ્બાહ ઉલ હક અને યાસિર અરાફાત હતા અને પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 130 હતો. ભારત તરફથી 20મી ઓવર ફેંકવા એસ શ્રીસંત આવ્યો હતો. 

શ્રીસંતની પ્રથમ બે બોલમાં મિસ્બાહે 2 ચોગ્ગા ફટકારી દીધા હતા. પાકિસ્તાનને અંતિમ 2 બોલમાં 1 રનની જરૂર હતી. શ્રીસંતે 5મી બોલ ડોટ ફેંકી હતી. હવે પાકિસ્તાનને જીતવા માટે અંતિમ બોલ પર 1 રનની જરૂર હતી. મિસ્બાહે અંતિમ બોલ પર કવર તરફ શોટ મારી રન લેવા માટે દોડ્યો પરંતુ યુવરાજ સિહે તરત જ બોલ પકડી નોન સ્ટ્રાઈકર તરફ ફેંકી દીધી. મિસ્બાહ ક્રિઝની અંદર પહોંચે તે પહેલા શ્રીસંતે બેલ્સ વિખેરી દીધી હતી. આ રીતે પાકિસ્તાન પણ 141 રન જ બનાવી શક્યું અને મેચ ટાઈ થઇ હતી. ત્યારે ટુર્નામેન્ટના નિયમો મુજબ મેચનું પરિણામ બોલ આઉટથી પ્રાપ્ત થયું હતું. ભારત તરફથી વીરેન્દ્ર સહેવાગ, રોબિન ઉથપ્પા અને હરભજન સિહે સ્ટમ્પ પર નિશાનો લગાવ્યો હતો પરંતુ પાકિસ્તાનનો એક પણ ખેલાડી સ્ટમ્પ પર નિશાનો લગાવી શક્યો ન હતો અને ભારત બોલ આઉટમાં 3-0થી જીત્યું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *