સુરત મહાનગરપાલિકાના સૌથી જુના ગાંધીબાગમાં બે વર્ષ પહેલાં ચંદનના બે વૃક્ષની ચોરી થઈ હતી તે જ પેર્ટનમાં ગઈકાલે રાત્રીના ફરી ચંદન ચોરો ત્રણ વૃક્ષને કાપીને લઈ ગયા છે. સુરત પાલિકાની નબળી સિક્યુરીટીના કારણે પાલિકાના ગાંધીબાગમાંથી ચંદનની ચોરી સમયાંતરે થઈ રહી છે. ગઈકાલે રાત્રીના સમયે ઈલેક્ટ્રીક કટર લઈને ચોર આવ્યા હતા અને ગાર્ડનના ગેટની બરોબર સામેથી જ ચંદનના વૃક્ષ કાપી ગયા હતા. જેના કારણે પાલિકાની સિક્યુરિટી સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

સુરતના ઐતિહાસિક એવા ગાંધીબાગમાં ગઈ કાલે ફરી એક વાર વિરપ્પન અને પુષ્યા સ્ટાઈલમાં ચંદનના ત્રણ વૃક્ષની ચોરી થઈ છે. ગાંધીબાગમાં સિક્યોરિટી અને સીસીટીવી કેમેરાની વચ્ચે ચોરી થતાં પાલિકાની સિક્યુરિટી એજન્સીના રેઢિયાળ વહીવટ સામે ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે. 

સુરત પાલિકાના સૌથી જુના અને અંગ્રેજોના સમયના ગાંધી બાગમાં ચંદનના વૃક્ષ છે પરંતુ આ વૃક્ષ ચોરો માટે પાલિકાએ મોટા કર્યા હોય તેવી રીતે સુરતના વિરપ્પન અને પુષ્પા જેવા ચોરો ચંદનના વૃક્ષની ચોરી કરી રહ્યાં છે. સુરતના ચંદન ચોરો આધુનિક બનીને ઈલેક્ટ્રીક કટર લઈને વૃક્ષ કાપી જાય છે પરંતુ શહેરમાં હજારો કેમેરા લગાવનાર સુરત પાલિકા આ ચંદન ચોરોને પકડવા માટે આધુનિક બની શકતી નથી. રાત્રીના સમયે ચંદનના ત્રણ વૃક્ષની ચોરી થઈ છે. આ પહેલી વાર નથી બે વર્ષ પહેલાં પણ જાન્યુઆરી મહિનામાં ચંદનના બે વૃક્ષની ચોરી થઈ હતી ત્યાર બાદ વધુ એક ચારી થઈ છે. હવે ગાંધીબાગમાં ચંદનના આઠેક જેટલા વૃક્ષ બાકી છે જો પાલિકાની સિક્યુરીટી આવી જ રીતે ઉંઘતી રહી તો ગાંધી બાગમાં એક પણ ચંદનના વૃક્ષ સલામત નહી રહે તેવી ભીતી વ્યક્ત થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *