રાજસ્થાનના યુવાને સગીરાનું અપહરણ કર્યાની ફરિયાદ

ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણમાં બાંધકામ સાઇટ ઉપર રાજસ્થાનથી આવેલા શ્રમજીવી પરિવારની ૧૩ વર્ષિય પુત્રી લાપતા થઇ ગયા બાદ મુળ રાજસ્થાનનો યુવાન તેનું અપહરણ કરી ગયો હોવા અંગે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને સગીરા તથા આ યુવાનની શોધખોળ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર નજીક નવી બની રહેલી બાંધકામ સાઇટમાં થોડા સમય અગાઉ રાજસ્થાનનો પરિવાર આવ્યો હતો અને અહીં રહેતો હતો જેમાં ૧૩ વર્ષિય સગીરાનો પણ સમાવેશ થતો હતો. જેની બાજુમાં જ રાજસ્થાનનો જ એક યુવાન રહેવા માટે આવ્યો હતો. દરમ્યાનમાં બે દિવસ અગાઉ સગીરા ઘરે કોઇને કંઇ કહ્યા વગર લાપતા થઇ ગઇ હતી. જેના કારણે પરિવારજનો દ્વારા તેણીની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ તેનો ક્યાંય જ પત્તો લાગ્યો ન હતો. દરમ્યાનમાં બાજુમાં રહેતો યુવાન પણ બે દિવસથી લાપતા થયો હોવાનું જણાયું હતું અને પરિચીતોએ યુવાન અને સગીરાને સાથે જોયા હોવાનું પણ કહ્યું હતું જેના પગલે આ યુવાન જ સગીરાનું અપહરણ કરી ગયો હોવાની શંકા પ્રબળ બની હતી. જેના પગલે ઇન્ફોસિટી પોલીસ મથકમાં સગીરાના અપહરણ સંદર્ભે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને સગીરા અને યુવાનની શોધખોળ શરૃ કરી છે. હાલ યુવાનના મોબાઇલના સીડીઆર પણ પોલીસ દ્વારા મંગાવવામાં આવ્યા છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજની ચકાસણી પણ કરવામાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *