ભારતનો સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ઝુરિક ડાયમંડ લીગમાં બીજા સ્થાને રહ્યો હતો. તેણે 85.71 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે બીજા સ્થાને રહીને ડાયમંડ લીગની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફાઈનલ 17 સપ્ટેમ્બરે અમેરિકાના યુગેનમાં યોજાશે. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતનાર નીરજ પ્રથમ સ્થાન માત્ર થોડા સેન્ટિમીટરથી ચૂકી ગયો હતો. વર્લ્ડ ચેમ્પિયનશીપ બ્રોન્ઝ મેડલ વિજેતા ચેક રિપબ્લિકના જેકબ વાડલેચ 85.86 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે પ્રથમ સ્થાને રહ્યો હતો. નીરજ તેનાથી 15 સેન્ટિમીટર પાછળ રહી ગયો હતો.

વર્લ્ડ ચેમ્પિયન બન્યાના ચાર દિવસ બાદ જ સ્ટાર જેવલિન થોઅર નીરજ ચોપરાને આ સિઝનમાં પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવાના પડકારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં નીરજે ત્રણ સ્પર્ધાઓમાં ગોલ્ડ જીત્યો છે. નીરજ રવિવારે બુડાપેસ્ટમાં 88.17 મીટર ભાલો ફેંકીને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. જો કે તે ઝ્યુરિકમાં પ્રથમ સ્થાન હાંસલ કરી શક્યો ન હતો. નીરજના છમાંથી ત્રણ પ્રયાસ ફાઉલ હતા. તેના પ્રયાસો નીચે મુજબ હતા – 80.79 મીટર, ફાઉલ, ફાઉલ, 85.22 મીટર, ફાઉલ અને 85.71 મીટર.

ઝુરિક લીગ પછી 16 અને 17 સપ્ટેમ્બરના રોજ યુગેન (યુએસએ)માં ડાયમંડ લીગની ફાઈનલ છે. નીરજે ગયા વર્ષે ઝુરિકમાં ડાયમંડ લીગની ફાઇનલમાં જીત મેળવી હતી. બુડાપેસ્ટમાં સિલ્વર મેડલ જીતનાર પાકિસ્તાનનો અરશદ નદીમ આ સ્પર્ધામાં રમી રહ્યો ન હતો. લીગમાં ટોચના 6 જેવલિન થોઅર્સ યુગેનમાં ફાઈનલ રમશે. આવી સ્થિતિમાં નીરજે પણ ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *