એચએસ પ્રણોયે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં 68 મિનિટની ક્વાર્ટર ફાઈનલ મેચમાં છેલ્લી બે વખતના ચેમ્પિયન ડેનમાર્કના વિક્ટર એક્સેલસનને હરાવીને ભારત માટે મેડલ પાક્કું કરી દીધું છે. પ્રણોયે આ રોમાંચક મુકાબલામાં વિશ્વના નંબર વન એક્સેલસનને 13-21, 21-15, 21-16થી હરાવ્યો હતો. પોતાના પ્રથમ મેડલની ખાતરી કર્યા પછી, તેણે કહ્યું, ‘યસ. છેવટે, મારી પાસે હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ હશે.

ભારતનો 14મો મેડલ સુનિશ્ચિત

એક્સેલસન તેના ઘરેલું દર્શકો સામે રમી રહ્યો હતો, તેથી પ્રણોય પર ઘણું દબાણ હતું. તેણે કહ્યું, ‘મેં વિચાર્યું કે હું ઓછામાં ઓછું મારી જાતને નિયંત્રિત કરી શકું છું. આ સિવાય બીજું કંઈ વિચારતો ન હતો. મારા મગજમાં માત્ર એટલું જ હતું કે આગામી પાંચ પોઈન્ટ કેવી રીતે મેળવવા.’ કેરળના 31 વર્ષીય ખેલાડીએ વિશ્વ ચેમ્પિયનશીપમાં ભારતનો 14મો મેડલ સુનિશ્ચિત કર્યો હતો. તેણે મલેશિયા માસ્ટર્સ સુપર 500 ટૂર્નામેન્ટ જીતી છે અને આ સિઝનમાં ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 500માં રનર્સઅપ રહ્યો હતો.

પ્રણોયનો એક્સેલસન સામે હાર-જીતનો રેકોર્ડ 2-7 હતો

આ મેચ પહેલા પ્રણોયનો એક્સેલસન સામે હાર-જીતનો રેકોર્ડ 2-7નો હતો. બંને ખેલાડીઓ શરૂઆતમાં નર્વસ દેખાતા હતા પરંતુ એક્સેલસને 5-2ની લીડ મેળવી હતી. પ્રણોયનો શોટ બે વખત નેટમાં જવાથી લીડ વધીને 9-2 થઇ હતી. આ પછી એક્સેલસને ક્રોસકોર્ટ પર સ્મેશ સાથે 16-11ની લીડ મેળવી હતી. તેણે આગળનો પોઈન્ટ ઝડપથી લઈને પ્રથમ ગેમ જીતી લીધી હતી.

પ્રણોયે બીજી ગેમમાં ગતિમાં કર્યો પરિવર્તન

બીજી ગેમમાં પ્રણોયે ગતિમાં પરિવર્તન કર્યો હતો. તેનો ડિફેન્સ પણ સારો હતો પરંતુ તે ફિનિશ કરવામાં અસમર્થ હતો જેના કારણે એક્સેલસનને લીડ મળી હતી. પ્રણોયે ઝડપી વાપસી કરીને સ્કોર 7-7 કર્યો હતો. પ્રણોયે એક્સેલસનના કેટલાક ખરાબ રિટર્નનો લાભ લીધો હતો. બ્રેક બાદ તેણે જબરદસ્ત રમત બતાવીને 18-11ની લીડ બનાવી લીધી હતી. એક્સેલસનનો શોટ નેટમાં ગયો અને અહીં પ્રણોયે 6 ગેમ પોઈન્ટ મેળવી રમતને સીલ કરી હતી. નિર્ણાયક ગેમમાં પણ શરૂઆતમાં મેચ બરાબરી પર હતી પરંતુ એક્સેલસનના નબળા રિટર્ન બાદ પ્રણોયે બ્રેક સુધી 11-6ની લીડ મેળવી હતી. બ્રેક બાદ પણ તેણે લીડ જાળવી રાખી હતી અને તેણે કેટલાક શાનદાર શોટ ફટકારીને આ કપરી મેચ જીતી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *