હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં 12 લોકોનાં મોત થયા છે અને 400થી વધુ માર્ગો બ્લોક કરવાની ફરજ પડી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ સાથે જ બંધ કરવામાં આવેલી સડકોની સંખ્યા વધીને 709 થઇ ગઇ છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદે તરખાટ મચાવ્યો છે. વરસાદને લગતી ઘટનાઓમાં 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે.

6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી  

હવામાન વિભાગે બુધવારે  હિમાચલના 12 જિલ્લાઓ પૈકી શિમલા સહિતના 6 જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જારી કરી છે.  હિમાચલના મુખ્યપ્રધાન સુખવિન્દર સિંહ સુખુએ ભારે વરસાદની આગાહીને પગલે લોકોને સચેત રહેવા જણાવ્યું છે. ડેપ્યુટી કમિશનર અરિન્દમ ચૌધરીએ પત્રકારોને જણાવ્યું હતું કે મંડી જિલ્લાના સેરાજ વિસ્તારના બે ગામોમાં વાદળ ફાટવાથી થયેલા ભૂસ્ખલનથી પાંચ લોકોનાં મોત થયા છે.

અનેક જિલ્લામાં રેડ એલર્ટ 

શિમલામાં પણ અનેક સ્થળોએ ભૂસ્ખલન અને ઝાડ પડવાને કારણે અનેક માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. કેટલાક મકાનોમાં તિરાડો પડી ગઇ છે જેના કારણે સાવચેતીના પગલા રૂપે તેમને ત્યાંથી હટાવવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં  ચાલુ મહિનામાં વરસાદ આધારિત ઘટનાઓમાં 80 લોકોનાં મોત થયા છે. 24 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીની પગલે હિમાચલના છ જિલ્લાઓ કાંગ્રા, કુલ્લુ, મંડી, શિમલા, સોલન અને સિરમોરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. હિમાચલમાં બે મહિનામાં 12100થી વધુ મકાનોને નુકસાન થયું છે અથવા ધરાશયી થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *