સાલારમાં પ્રભાસ ડબલ રોડ ભજવી રહ્યો હોવાનું લીક થયું

પ્રભાસની આગામી ફિલ્મ ‘સાલાર પાર્ટ વન : સીઝફાયર’ તે ડબલ રોલ ભજવી રહ્યો હોવાનું લીક થયું છે. ફિલ્મનાં કેટલાંક દૃશ્યો ઓનલાઈન લીક થતાં આ વાત બહાર આવી હતી. 

લીક થયેલા દૃશ્ય અનુસાર એક સીનમાં  એક પાત્રમાં પ્રભાસ ચારેબાજુ દુશ્મનોથી ઘેરાયેલો હોય છે ત્યારે તેનો હમશકલ તેની મદદે આવે છે. આ દૃશ્ય દ્વારા ચાહકો અંદાજ લગાવી રહ્યા છે કે ‘સાલાર’ ફિલ્મમાં પ્રભાસ બે ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ બે ભાગમાં બની રહી છે. એક દાવા અનુસાર ફિલ્મનાં વધુ દૃશ્યો લીક ન થાય તે માટે પોસ્ટ પ્રોડક્શનની જગ્યા બદલી નાખવામાં આવી છે. ફિલ્મની ટીમને શંકા છે કે પોસ્ટ પ્રોડક્શન દરમિયાન અથવા તો વીએફએક્સ સહિતની કામગીરી વખતે કોઈએ તેની ક્લિપ લીક કરી દીધી હોય તે શક્ય છે.  જોકે, ફિલ્મની પબ્લિસિટી કરવા માટે તેનાં કેટલાંક દૃશ્યો લીક કરી દેવાની પ્રયુક્તિ પણ બહુ ચવાઈ ગયેલી છે. પ્રભાસની ‘આદિપુરુષ’ ભારે વિવાદો બાદ નિષ્ફળ ગઈ હતી. આથી, તેને એક હિટ ફિલ્મની તાતી જરુર હોવાથી પબ્લિસિટી માટે આ ગતકડું અજમાવ્યું હોવાની શક્યતા  વધારે છે. 

તાજેતરમાં શાહરુખ ખાનની ફિલ્મ આગામી ફિલ્મ ‘જવાન’માં પણ શાહરુખનો લૂક લીક થઈ ગયો હતો. શાહરુખ ખાને આ મુદ્દે કેટલાંક સોશિયલ મીડિયા હેન્ડલ્સ સામે પોલીસ ફરિયાદ પણ કરી હતી. આ ફરિયાદમાં જણાવાયું હતું કે શાહરુખ ખાનનો લૂક લીક થઈ જવાને લીધે તેમને ફિલ્મની પ્રચાર સ્ટ્રેટેજીમાં છેલ્લી ઘડીએ બહુ ફેરફારો કરવા પડયા છે. 

જોકે, બોલીવૂડ પ્રોડક્શન સાથે સંકળાયેલાં સૂત્રો કહે છે કે પ્રભાસ કે શાહરુખ જેવા સ્ટાર્સની ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય ત્યારે બહુ ગણતરીના અને પરવાનગી હોય તેવા લોકોને જ સેટ પર હાજર રહેવા દેવામાં આવે છે. મોટા સ્ટાર્સ તથા ડાયરેક્ટર જેવા બે-ચાર ટોચના લોકો સિવાય કોઈને મોબાઈલ કે અન્ય કોઈ રેકોર્ડિંગ ડિવાઈસ ઉપયોગ કરવાની છૂટ હોતી નથી. પોસ્ટ પ્રોડક્શનમાંથી ફિલ્મનાં દૃશ્યો લીક થઈ જવાની શક્યતા બહુ પાંખી છે કારણ કે આ કામ કરતી એજન્સીઓ પોતાનો બિઝનેસ ગુમાવવાના ભોગે આવું જોખમ ઉઠાવી શકે નહીં. 

ફિલ્મ માટે ઈંતજારી ઊભી કરવા માટે ફિલ્મની ટીમ દ્વારા જ મોટાભાગે દૃશ્યો લીક કરવામાં આવતાં હોય છે અને તે વિશે જાણીબૂઝીને ચર્ચા છેડવામાં આવતી હોય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *