યુક્રેન પર રશિયાનો ફરી મિસાઈલ હુમલો

રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણા દેશો બંને દેશો વચ્ચેના આ યુદ્ધને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમ છતાં બંને દેશો એકબીજા પર સતત હુમલા કરી રહ્યા છે. આ દરમિયાન રશિયાએ પૂર્વ યુક્રેનના પોકરોવસ્ક શહેરમાં મિસાઈલ હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે. શહેરમાં રહેણાંક મકાનને નિશાન બનાવીને કરાયેલા હુમલામાં પાંચ લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ઝેલેન્સકીએ શેર કર્યો વીડિયો 

યુક્રેને હુમલાની નિંદા કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે, મોસ્કોએ એક રહેણાંક ઇમારત પર હુમલો કર્યો. તેઓએ સોવિયેત યુગની પાંચ માળની ઈમારતના ફૂટેજ પણ જાહેર કર્યા છે. આ ઈમારતનો ઉપરનો માળ ધરાશાયી થઈ ગયો હતો. હુમલા બાદ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. તેમની પોસ્ટમાં, ઝેલેન્સકીએ લખ્યું કે, કાટમાળ હજુ પણ સાફ કરવામાં આવી રહ્યો છે અને “શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. તેમણે વધુમાં કહ્યું કે, રશિયાએ આ ભયંકર યુદ્ધમાં જે કર્યું છે તેના માટે તેને જવાબદાર ગણવામાં આવશે.

યુક્રેનના મંત્રી ઇગોર ક્લિમેન્કોએ હુમલા અંગે આપી જાણકારી 

યુક્રેનના મંત્રી ઇગોર ક્લિમેન્કોએ પણ ટેલિગ્રામ પર આ હુમલાઓની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, આમાં પાંચ લોકોના મોત થયા છે. દરમિયાન, બીજા હુમલામાં ડોનેત્સ્ક પ્રદેશના એક અધિકારીનું મોત થયું હતું. આ હુમલામાં 31 લોકો ઘાયલ થયા છે. જેમાં 19 પોલીસ અધિકારીઓ, પાંચ બચાવકર્મીઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. પોકરોવસ્ક રશિયન હસ્તકના શહેર ડોનેત્સ્કથી ઉત્તર-પશ્ચિમમાં લગભગ 70 કિલોમીટર દૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *