વર્તમાન ચોમાસા દરમ્યાન ખેડા શહેરમાં આંખો આવવાના ઘણા  કિસ્સા જોવા મળ્યા છે. ખેડા સિવિલ હોસ્પિટલમાં જ્યાં દરરોજ  દસ પંદર આંખો ના પેશન્ટ આવતા ત્યાં અત્યારે દોઢસો કરતા વધારે આંખોના દર્દીઓથી છેલ્લા ત્રણ દિવસથી દવાખાનું ઉભરાઈ રહ્યું  છે.

આ બાબતે કેટલાક દર્દીઓ દ્વારા આંખો ની દવા, ટીપા મળતા નહી હોવાની ફરિયાદ કરી હતી. કેટલાક ને એક દવા આપી બીજી દવા મેડિકલ સ્ટોરમાંથી લેવા જણાવાય છે. અહીં ડોક્ટર જે દવા લખી આપે તે સિવિલના દવાના સ્ટોરના સ્ટોકમાં  ઉપલબ્ધના હોય તો ડોક્ટર શા માટે આવી દવા લખી આપે છે. એટલે દવાના જથ્થા બાબતે સ્ટોર અને ડોક્ટર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો હોવાની ફરિયાદો દર્દીઓ કરી રહ્યા છે. 

આ અંગે  ખેડા સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડા મનોજ પટેલના જણાવ્યા પ્રમાણે અત્યારે અનેક જિલ્લાઓમાં આંખો સબંધિત વાયરલ કનઝંકટીવાઈટીસના ઘણા કેસો જોવા મળે છે. એ પ્રમાણે ખેડામાં આવતા સરેરાશ દર્દીઓ માટે  હાલ પૂરતો સ્ટોક છે. 

આર. એમ. ઓ ડા. ઇમ્તિયાઝ વોહરાના જણાવ્યા પ્રમાણે આંખો ના ડ્રોપ્સ અને અન્ય દવા છે અને અત્યારે જે ઓ પી ડી ની સંખ્યા માં થયેલ વધારો જોતા ન જી એમ સી એલ. નરોડા થી અન્ય દવાઓ મંગાવવામા આવશે.

ખેડાના અગ્રણી મહેન્દ્ર માલીએ જણાવ્યું છે કે જે ડ્રોપ અથવા દવા સિવિલના દવાના સ્ટોર ઉપર નથી આપતા તે દવા અહીં  સિવિલમાં જ આવેલ તેમના સરકાર માન્ય  સ્ટોરમાં  વેચાણથી મળે છે.ત્યારે જરૂરિયાતમંદ દર્દીઓ જે ખાસ તો ગામડેથી ભાડા ખર્ચીને એક દર્દી સાથે બીજા બે લોકો આવે છે તેમને સિવિલ દવાખાને સ્ટોર ઉપર થી જ નિઃશુલ્ક મળી રહે તેવું આયોજન કરવામાં આવે તેવી માંગણી કરાઇ છે.