ડાકોર નગરપાલિકાના રેગ્યૂલર ચીફ ઓફિસર રજા પર જતાં મહુધાના ચીફ ઓફિસરને ડાકોરનો ચાર્જ સોંપાયો છે. ત્યારે ઈન્ચાર્જ ચીફ ઓફિસર ૩ દિવસથી ડાકોર પાલિકામાં આવતા ન હોવાથી અરજદારોને હાલાકી પડી રહી હોવાની રાવ ઉઠી છે.

ડાકોર નગરપાલીકામાં એ.કે.સિન્હા ૧૦ દિવસની રજા પર ગયા હોવાથી ડાકોર નગરપાલીકાનો વહીવટી ચાર્જ મહુધાના ચીફ ઓફિસર ચન્દ્રકાંતભાઈને પ્રાદેશિક કમિશનર એસ.કે.મોદી દ્વારા સોંપવામાં આવ્યો હતો. ડાકોર નગરપાલીકા સાથે યાત્રધામ સંકળાયેલું હોવાથી ડાકોરમાં ચીફ ઓફિસરની અગ્રીમતા વધુપડતી હોય છે. છેલ્લા ત્રણ દિવસથી ડાકોર નગરપાલીકામાં આકારણીની નકલો, મેરેજ રજીસ્ટેશન સર્ટી, ઓનલાઈન અરજીઓ ડાકોરના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે. જે અરજીઓમાં હાલના સમયે ચીફ ઓફિસરની ગેરહાજરીને કારણે પેન્ડિંગ પડી રહી છે. બીજી તરફ ડાકોર નગરપાલીકામાં  ઓએસ તરીકે ફરજ બજાવતા કર્મચારીની પણ નાદુરસ્ત તબિયતને કારણે રજા પર ગયેલા છે. ત્યારે મહુધાન ચીફ ઓફિસરને ડાકોર નગરપાલીકામાં જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ ચીફ ઓફિસર ત્રણ દિવસથી ડાકોર નગરપાલીકામાં આવ્યા ન હોવાથી ઘણા બધા રહીશોને જરૂરી ડોક્યુમેન્ટ મળતા નથી અને અગત્યના કામોમાં વિલંબ થઈ રહ્યો છે. 

આ બાબતે મહુધા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, આજે હું ક્લાર્ક સાથે ચર્ચા કર્યા પછી જો પ્રશ્ન હલ નહીં થાય તો હું જોઇશ તેવો જવાબ આપ્યો હતો.  ડાકોર નગરપાલીકા કરતા મહુધા નગરપાલીકામાં કામનું ભારણ ઓછું હોવા છતાં ચીફ ઓફિસર ચન્દ્રકાંતભાઈ ડાકોર નગરપાલીકાના વહીવટથી કોઈ ચોક્કસ કારણોસર અળગા રહેવા માગતા હોય તેવું લાગી રહ્યું છે. તેમ ડાકોરના નાગરિકો જણાવી રહ્યા છે.

By admin