આંધ્રપ્રદેશના વકફ બોર્ડ દ્વારા અહમદિયા સમુદાયને બિન-મુસ્લિમ જાહેર કરવાનારા ઠરાવ મામલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આજે સંસદ પરિસરમાં જણાવ્યું કે,  વક્ફ બોર્ડ અને તેનું સમર્થન કરનાર જમિયત ઉલેમા-એ-હિંદ પાસે કોઈને પણ ધર્મની બહાર કરવાનો અધિકાર નથી.

વકફ બોર્ડે ભારતના કાયદા મુજબ કામ કરવું પડશે : સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, વકફ બોર્ડે નોન સ્ટેટના કાયદા હેઠળ નહીં પણ એક્ટ ઓફ પાર્લામેન્ટના આધારે પોતાની સેવાઓ આપવી પડશે. મારા ધ્યાનમાં આવ્યું છે કે, આંધ્ર પ્રદેશ વકફ બોર્ડે કોઈ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે, જોકે આ મામલે અમે આંધ્રપ્રદેશના મુખ્ય સચિવના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. ભારતની સંસદમાં જે કાયદાઓ નક્કી થશે તે મુજબ જ વકફ બોર્ડોએ કામ કરવું પડશે.

આંધ્ર પ્રદેશ વકફ બોર્ડે અહમદિયા સમુદાયને બિન-મુસ્લિમ જાહેર કરવાનો ઠરાવ પસાર કર્યો હતો

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, દેશના કોઈપણ વકફ બોર્ડ પાસે કોઈપણ વ્યક્તિ અથવા સમુદાયને ધર્મમાંથી બહાર કરવાનો અધિકાર નથી. વાસ્તવમાં તાજેતરમાં જ આંધ્ર પ્રદેશ વકફ બોર્ડે અહમદિયા સમુદાયને ‘કાફિર’ (એવો વ્યક્તિ જે ઈસ્લામનો અનુયાયી ન હોત) અને બિન-મુસ્લિમ જાહેર કરવાનો ઠરાવ પસાર કર્યો હતો.