૨૬ જુલાઇએ ભારતમાં કારિગલ વિજય દિવસ તરીકે ઉજવાય છે. કારગિલના વિલન પાકિસ્તાનના જનરલ મુશર્રફ હયાત નથી પરંતુ તેમના કરતૂતોથી જ ભારતીય સેનાએ ઘુસણખોરો વિરુધ એક લડાઇ લડવી પડી હતી. ભારતના જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વિના કારગિલને પાકિસ્તાની ઘૂસણખોરોથી છોડાવ્યું હતું. આ એક એવી મુશ્કેલ લડાઇ હતી જેમાં જવાનોએ પોતાનું લોહી રેડીને જીતી હતી. કારગિલ લડાઇની કહાની ખૂબજ રસપ્રદ છે.

કારગિલમાં પાકિસ્તાનીઓએ ઘૂસણખોરોએ પ્રવેશ કર્યો હોવાની પ્રથમ માહિતી પોતાનું યાક પશુ શોધવા નિકળેલા એક પશુપાલકે આપી હતી. ગુપ્તચર એજન્સીઓ પહેલા  પશુપાલકને પહેલા ખ્યાલ આવી ગયો હતો. ૨ જી મે ૧૯૯૯ના રોજ પશુપાલક તાશી નામગ્યાલને કેટલાક એવા નિશાન મળ્યા જે પશુઓના નહી પરંતુ માણસના હતા. થોડાક સમય પછી કેટલાક લોકોને જોયા જેઓ સ્થાનિક લોકોના પહેરવેશમાં હતા. નામગ્યાલને ખ્યાલ હતો કે અહીં કોઇ સ્થાનિક માનવ વસ્તી રહેતી નથી. આથી કોઇ ઘૂસણખોરો કે આતંકી હોવાની શંકા જાગી હતી.

તેણે તરત જ પંજાબ બટાલિયનના હવાલદાર બલવિંદરસિંહને સૂચના આપી હતી. બલવિંદરે પોતાના સિનિયર અધિકારીઓનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો પરંતુ થઇ શકયો નહી. બલવિંદરસિંહ પશ્લુપાલક સાથે સ્થળ પર જાત નીરિક્ષણ માટે ગયો ત્યારે ઘૂસણખોરોએ લાગ જોઇને ગોળી મારતા શહિદ થયો હતો. આ સાથે જ બલવિંદરસિંહ કારગિલ લડાઇનો પ્રથમ શહિદ હતો. નામગ્યાલ બચી ગયો જેને કશીક ગરબડ હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. 

છેવટે ભારતીય સેનાએ ઘૂસણખોરોને પાઠ ભણાવવા કાર્યવાહી કરવી પડી હતી. આ અભિયાન ૮૧ દિવસ ચાલ્યું હતું. પુરી તૈયારી સાથે આવેલા ઘૂસણખોરોએ બંકરો બનાવી દીધા હતા. વાયુસેનાએ બોંબ હુમલા કરીને બંકરો તોડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાની ઘૂસણખોરીની સપ્લાય લાઇન કાપવામાં મહા મહેનત પછી સફળતા મળી હતી. મેજર અને કર્નલથી માંડીને વિવિધ કેડરના જવાનોએ બલિદાન આપ્યા હતા.

સામાન્ય રીતે ભારે બરફવર્ષા થાય ત્યારે નિયંત્રણ રેખા પર બંને દેશોની સૈન્ય ટુકડીઓ ચોકીઓ ખાલી કરીને પાછી જતી રહે છે. આ શિરસ્તો વર્ષોથી ચાલતો હતો પરંતુ ઘૂસણખોરોએ દગો કરીને કારગિલમાં પ્રવેશ કર્યો હતો.  ૨૬ જુલાઇએ કારગિલ લડાઇ જીત્યા પછી પશુપાલક નામગ્યાલનું ૫૦ હજાર રુપિયા આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આજે પણ તેને મહિને ૫ હજાર રુપિયા સરકાર તરફથી આપવામાં આવે છે એટલું જ નહી તેને ફ્રી રાશન પણ મળે છે. આ પશુપાલકે પાકિસ્તાનના કરતૂતોનો સૌ પ્રથમવાર ભાંડો ફોડયો હતો. 

By admin