શખ્સે વિધવા મહિલાને લગ્નની લાલચ આપી દાગીના અને રૂપિયા પડાવી બળાત્કાર ગુજાર્યો

શહેરમાં વિધવા મહિલા સાથે એક નરાધમે લગ્નની લાલચ આપીને અનેક વખત તેનું શરીર પિંખી નાંખ્યું હતું. આ મહિલાને આરોપીએ ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બાળકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ આરોપી AMTSના ડ્રાઇવર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે નરોડા વિસ્તારમાં 47 વર્ષિય મહિલા હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. વર્ષ 2015માં પતિનું હાર્ટ અટેકથી મૃત્યુ થતાં મહિલાએ નોકરીમાંથી રાજીનામુ આપી દીધુ હતું. ત્યારબાદ નોકરી શરૂ કરતાં નોકરીએ જવા-આવવા માટે મહિલા AMTS બસનો ઉપયોગ કરતી હતી. જ્યાં મહિલાને એ.એમ.ટી.એસ બસના ડ્રાઈવર મહેશ સાથે ઓળખાણ થઈ અને બંન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ મહિલા દીકરીને સ્કૂલે મુકવા જતી હતી તે દરમિયાન આરોપી મહેશે તેને મળવા બોલાવી હતી. ત્યાર બાદ બંને જણા નરોડા ખાતેની એક હોટેલમાં ગયા હતાં. આ હોટલમાં આરોપીએ મહિલા સાથે લગ્ન કરવાની પ્રપોઝલ મુકીને જબરદસ્તીથી શારીરિક સંબંધો બાંધ્યા હતાં. 

દાગીના અને રૂપિયા લીધા બાદ ધમકી આપી

ત્યારબાદ આરોપી મહેશે મહિલાને ફોન કરી જણાવેલ કે મેં નોકરી છોડી દીધેલ છે અને ધંધો કરવા માટે પૈસાની જરૂર છે. જેથી મહિલાએ તેની સોનાની બુટ્ટી આપી હતી. ત્યારબાદ અલગ અલગ કરીને મહિલાએ મહેશને ધંધો કરવા માટે ચાર લાખના સોનાના દાગીના આપ્યા હતા. મહિલાએ આરોપીને જણાવ્યું હતું કે, તમે લગ્ન પણ કરતા નથી ને મારા પૈસા પણ આપતા નથી. મહેશે ઉશ્કારાઈને મહિલાને ગાળો આપીને લગ્ન કરવાની ના પાડી પૈસા પણ આપવાના નથી તારે થાય તે કરી લે તેમ કહી બળજબરી પૂર્વક મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. મહિલાના ફોટા અને વીડિયો વાઇરલ કરી મહિલાના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મહિલાએ મહેશ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *