ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) દ્વારા લેવાયેલા એક નિર્ણયમાં  ઈથેનોલના ઉત્પાદન માટે  ચોખાના પૂરવઠાને તેણે અટકાવી દીધો છે. ગયા સપ્તાહમાં લેવાયેલા આ નિર્ણયને કારણે પેટ્રોલમાં ઈથેનોલને મિકસ કરી દેશના ઈંધણ આયાત બિલને ઘટાડવાના ભારત સરકારના પ્રયાસોને વર્તમાન વર્ષમાં કદાચ ધક્કો લાગી શકે  છે. 

દેશની ૧૦૦ જેટલી ડિસ્ટિલરીસ જે ચોખા માટે એફસીઆઈ પર આધાર રાખે છે તેમની માટે સ્થિતિ પડકારરૂપ બની છે. એફસીઆઈ પાસેથી ચોખા મેળવી તેના સ્ટાર્ચમાં રૂપાંતર કરી તેને ઈથેનોલ માટે પ્રોસેસ કરવામાં આવે છે. 

જે ડિસ્ટિલિરીઓ શેરડી તથા અનાજ બન્ને પર  આધાર રાખે છે, તેને આ નિર્ણયની આંશિક અસર પડશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.

દેશમાં વર્તમાન વર્ષમાં ચોખાનો પૂરવઠો ઓછો થવાની ગણતરીએે તેના ભાવ હાલમાં ઊંચે ગયા છે. ચોખાના ભાવને અંકૂશમાં લાવવા સરકાર દરેક પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં જ લીધેલા એક નિર્ણયમાં નોન-બાસમતિ ચોખાની નિકાસ પર સરકારે પ્રતિબંધ મૂકયો છે. 

કયાંક અપૂરતા વરસાદ અને કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિને કારણે વર્તમાન ખરીફ મોસમમાં ચોખાના ઉત્પાદન પર અસર પડવાની સરકારને ચિંતા છે. ઉત્પાદનમાં ઘટની સ્થિતિમાં ચોખાના ભાવ વધી જવાની સરકારને ચિંતા છે. 

આગામી રાજ્ય વિધાનસભાઓ તથા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકાર મોંઘવારી ખાસ કરીને ખાધાખોરાકીના ભાવને નિયંત્રણમાં રાખવા માગે છે. 

એફસીઆઈ દ્વારા તેમના વિભાગીય કચેરીઓને પત્ર પાઠવી ડિસ્ટિલિરીઓને ચોખાનો પૂરવઠો તાત્કાલિક અટકાવી દેવા સૂચના આપવામાં આવી છે અને જે ડિસ્ટિલરી પાસેથી ડીપોઝિટસ મેળવવામાં આવી છે, તે પરત કરી દેવા જણાવાયું હોવાનું પણ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. 

બાયોફ્યુઅલ પરની કેન્દ્રની રાષ્ટ્રીય નીતિ હેઠળ સરકાર નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં પેટ્રોલમાં વીસ ટકા ઈથેનોલ મિકસ કરવા યોજના ધરાવે છે. જેને કારણે દેશના ફોરેકસ રિઝર્વમાં બચત ઉપરાંત ઈંધણ માટેની આયાત નિર્ભરતામાં ઘટાડો થવા અપેક્ષા છે. 

એફસીઆઈ ઈથેનોલના ઉત્પાદકોને કિલો દીઠ રૂપિયા વીસના ભાવે ચોખાનો પૂરવઠો કરે છે. જે વર્તમાન બજાર ભાવ રૂપિયા ૩૦થી ઘણા ઓછા છે. એક અંદાજ પ્રમાણે એફસીઆઈ દ્વારા વર્ષ ૧૫ લાખ ટન ચોખા ઈથેનોલ માટે પૂરા પાડવામાં આવે છે. 

વર્તમાન વર્ષના ૧લી જુલાઈના રોજ સરકાર પાસે ચોખાનો ૪.૧૦ કરોડ ટનનો સ્ટોકસ હતો. જે તે સમયગાળામાં ૧.૩૫ કરોડ ટનની બફર આવશ્યકતા કરતા ઓછો હતો. 

અમેરિકામાં પરિવાર દીઠ ચોખાની એક જ બેગ વેચવા સ્ટોર્સ સંચાલકોને ફરજ પડી

ભારતે ચોખાની નિકાસ પર મૂકેલા પ્રતિબંધથી  અમેરિકાના નાગરિકો ખાસ કરીને બિન-નિવાસી ભારતીયોને ચોખા મળવાનું મુશકેલ બની ગયું છે. અમેરિકામાં વસતા ભારતીયો દ્વારા ચોખાની ગભરાટભરી  થઈ રહેલી જોરદાર ખરીદીને ધ્યાનમાં રાખી સ્ટોર્સ સંચાલકોએ ચોખાના પૂરવઠામાં મર્યાદા લાગુ કરી દેવાની ફરજ પડી છે અને વ્યક્તિ દીઠ ચોક્કસ માત્રામાં જ ચોખા અપાઈ રહ્યાનું પ્રાપ્ત અહેવાલમાં જણાવાયું હતું. અમેરિકાના અનેક સ્ટોર્સમાં ચોખાનો સ્ટોકસ ખાલી થઈ ગયાનું દર્શાવતી તસવીરો પણ સોશ્યલ મીડિયા પર વહેતી થઈ છે. એટલું જ નહીં ગ્રાહકોએ ચોખા માટે લાઈન પણ લગાવવાનો વારો આવ્યો છે. એક પરિવાર દીઠ ચોખાની એક જ બેગ આપવામાં આવશે તેવી નોટિસો પણ સ્ટોર્સની બહાર મૂકવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *