શહેરમાં ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું મોત થયું છે. પોલીસે અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલ, તેના પિતા પજ્ઞેશ પટેલ, 3 યુવતી સહિત 6ની અટકાયત કરી છે.આ ઘટનામાં કોઈએ પુત્ર તો કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે. તે ઉપરાંત ત્યાં ફરજ પર રહેલા એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પણ મોતને ભેટ્યાં છે. આ મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો પણ સામેલ છે. હોસ્પિટલમાં મૃતકોના સ્વજનોનું આક્રંદ અને હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ ગઈ છે. 

તથ્ય સાથે જેગુઆરમાં આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલ હતી. આ પાંચેયની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ પાંચેય તથ્ય સાથે મોહમદપુરા પાસે આવેલા એક કેફેમાં ભેગા થયા હતા. બધા ત્યાંથી રાજપથ ક્લબ તરફ જવા નીકળ્યા હતા. જેગુઆરમાં આગળની સીટ પર એક આમાંની એક યુવતી તથ્ય સાથે બેઠી હતી. બધા સાથે અભ્યાસ કરે છે. જ્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની ધમકી આપવા બદલ અટકાયત કરી છે.

ઈજાગ્રસ્તોની સોલા સિવિલમાં સારવાર ચાલી રહી છે

ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 12 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોની સોલા સિવિલમાં સારવાર ચાલી રહી છે.

આરોપી તથ્ય પટેલના પિતાએ શું કહ્યું

અકસ્માત સર્જનાર તથ્ય પટેલના પિતાનું નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે કહ્યું કે જેગુઆર કારમાં અન્ય 5 લોકો હતા તેમજ મારો દીકરો લોહીલુહાણ હાલતમાં હતો જેને મે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. તથ્યના પિતાએ વધુમાં જણાવ્યુ હતું કે તથ્ય તેના મિત્રો સાથે રાત્રે 11 વાગ્યે કેફેમાં ગયો હતો. આ ઉપરાંત જેગુઆર કાર ભાગીદાર નામે નોંધાયેલી છે તેમ જણાવ્યુ હતું.

તથ્ય પટેલના વકીલે શું કહ્યું?

અકસ્માતની ઘટના અંગે તથ્ય પટેલના વકીલે કહ્યું હતું કે અકસ્માતની ઘટના અજાણતા થતી ઘટના છે. આ ઘટનાસ્થળે પહેલા ટ્રક અને થારનો અકસ્માત થયો હતો તેને હટાવવા માટે કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા અને બેરિયર પણ મૂકાયા ન હતા. વકિલે વધુમાં કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ અકસ્માત કરવાના ઈરાદે ઘરેથી નથી નીકળતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કારની સ્પીડ 160ની નહતી કે કાર ઓવરસ્પીડ પણ ન હતી. અકસ્માત જ્યા થયો હતો ત્યા લોકોનું ટોળું ભેગું થયુ હતું. અમે કાયદાનું પાલન કરીશું અને સાચું હશે સામે આવી જશે.

By admin