મહાનગરોમાં માણસોની સાથોસાથ પ્રાણીઓની પણ વધતી જતી વસતિના દુષપરિણામો જોવા મળી રહ્યા છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે સ્ટ્રીટ ડોગ (રઝળતા કૂતરા)ની સંખ્યા દિવસોદિવસ વધી રહી છે અને એને પગલે કૂતરા કરડવાના બનાવો પણ વધ્યા છે. પરિસ્થિતિ એ હદે પહોંચી છે કે મહારાષ્ટ્રમાં દર કલાકે ૯૦ જણને કૂતરા કરડે છે.

પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના આંકડા આ હકીકત બયાન કરે છે. આમાંથી લગભગ ૨૬ ટકા કૂતરા કરડવાના (ડોગ બાઇટ્સના) બનાવો મુંબઈ મેટ્રો પોલિટન રિજન (એમએમઆર)માં નોંધાય છે. એમએમઆરમાં મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર અને રાયગડનો સમાવેશ થાય છે. આ વરસે જૂન માસ સુધીમાં ૧૭ વ્યક્તિઓ ડોગ બાઇટ્સને કારણે થતા રેબીઝ (હડકવાના રોગ)થી મૃત્યુ પામી છે.

બીએમસી ક્ષેત્ર સહિત મહારાષ્ટ્રના છ જિલ્લામાં કૂતરાની નસબંદી અને એન્ટિ રેબીઝે વેક્સિનની સેવા આપતી સંસ્થા ઉત્કર્ષ ગ્લોબલ ફાઉન્ડેશનના સ્થાપક એડવોકેટ દગડુ લોંઢેએ જણાવ્યું હતું કે રેબીઝ એક ખતરનાક જીવલેણ વાયરસ છે, જે કૂતરા, બિલાડી અને વાંદરા જેવા પ્રાણીઓના ચાટવા અને કરડવાથી માનવીઓમાં ફેલાય છે. આ વાયરસ પ્રાણીઓની લાળમાં રહે છે. કૂતરા પાળેલા હોય કે રઝળતા, એમને જો એન્ટી રેબીઝ વેક્સિન ન અપાઈ હોય તો તેઓ લોકો માટે મોટો ખતરો બની જાય છે.

હેલ્થ ડિપાર્ટમેન્ટના આંકડા કહે છે કે ૧ જાન્યુઆરીથી ૩૦ જૂન સુધીમાં રાજ્યમાં કૂતરાં કરડવાના કુલ ૩,૮૯,૧૧૦ કિસ્સા નોંધાયા હતા. બીજા શબ્દોમાં કહીએ તો મહારાષ્ટ્રમાં રોજ ૨૧૬૧ લોકોને કૂતરા કરડયા હતા. છેલ્લા છ મહિનામાં મુંબઈમાં ૪૧,૮૨૮, થાણેમાં ૩૬૦૬૦, પાલઘરમાં ૧૩,૩૦૧ અને રાયગડમાં ૧૩,૫૯૮ ડોગ બાઇટના કેસ નોંધાયા છે. આખા રાજ્યના કુલ ડોગ બાઇટ્સના કિસ્સામાંથી ૨૬ ટકા એકલા એમએમઆરમાં બન્યા છે.