ડબાવાળાઓની સર્વિસમાં 100 રુપિયાનો વધારો

વધતી મોંઘવારી અને ટિફિન લેનારાઓની સંખ્યા ઘટતાં મુંબઇગરાંને ડબા પહોંચાડતા ડબાવાળાઓએ સર્વિસ ચાર્જમાં ૧૦૦ રૃપિયાનો વધારો કર્યો છે. ગ્રાહકોએ આ નિર્ણયમાં સહકાર આપવો, એવી માગણી પણ ડબાવાળા એસોસિએશને કરી છે. આ ભાવવધારો પહેલી જુલાઇથી લાગુ રહેશે.
મુંબઇના ડબાવાળા સવારે ઘરેથી ડબો લઇ તે ઓફિસમાં બપોરે પહોંચાડે અને પછી ત્યાંથી ડબો પાછો લઇ સાંજ સુધીમાં ઘરે પહોંચાડતા હોય છે. આ સર્વિસના ભાવ કુરિઅર કરતાં ક્યાંય ઓછાં છે. જીવનાવશ્યક વસ્તુ સહિત તમામ ક્ષેત્રમાં મોંઘવારીએ ભરડો લીધો છે. તેની અસર ડબાવાળા અને તેમના પરિવારજનોને પણ થાય ચે. આથી નાછૂટકે તેમણે ભાવવધારો કરવો પડે છે.
ભોજનનો ડબો લાવવા લઇ જવા માટે અત્યારે જે કિંમત વસૂલાય છે, તેમાં ૧૦૦ રૃપિયાનો વધારો કરાયો છે. જો આ ડબા સાથે છાશ કે પાણીની બોટલ હશે તો રૃપિયા ૫૦ વધુ વસૂલાશે. આ બાબતે વધુ માહિતી ડબાવાળાઓ ડાયરેક્ટ તેમના ગ્રાહકોને આપશે.