પ્રતિભા સૌંદર્ય અને મધુર કંઠની સ્વામિની સલમા આગાએ એક તબક્કે અચ્છી અભિનેત્રી તરીકે પણ જાણીતી હતી. આજે તેની પુત્રી ઝારા પોતાના કંઠના કામણ પાથરી રહી છે. તાજેતરમાં તેણે નાઈજેરિયન સિંગર રેમાની કોન્સર્ટનું ઓપનિંગ કર્યું હતું. તેનું ‘ગુમરાહ’ નું ‘ઘર નહીં જાના….. ‘ અને ‘સેલ્ફી’ નું ‘કુડિયે ની તેરી’ ટ્રેક ધૂમ મચાવી રહ્યાં છે. તેના સંખ્યાબંધ ઈન્ડિપેન્ડન્ટ સોંગ પણ અત્યંત લોકપ્રિય બન્યાં છે.
ઝારા પોતાની ગાયકીની લોકપ્રિયતાનો યશ પોતાની માતા સલામ આગાને આપતાં કહે છે કે હું મારા માતાને સાંભળીને મોટી થઈ છું. તેને નિયમિત રીતે સાંભળતા રહેવું એ જ મારી તાલીમનો સૌથી મોટો ભાગ છે. આજે પણ હું મારા કાર્યક્રમો આપતી વખતે ગીતોની યાદી બનાવવા તેની સલાહ લઉં છું. અને તે મને હંમેશાં સરસ ભલામણો કરે છે. ઝારા વધુમાં કહે છે કે મારી માતા મને ગાયકી સાથે અભિનય ક્ષેત્રે કામ કરવા ભારપૂર્વક કહેતી રહે છે. અલબત્ત, તેની પાછળનો તેનો હેતુ મારી અંદર રહેલી પ્રતિભાને બહાર લાવવાનો છે.
તો શું ઝારા પણ સલમાની જેમ બંને ક્ષેત્રે કામ કરશે? આના જવાબમાં ઝારા કહે છે કે મારી મમ્મી મને ભારપૂર્વક ભલામણ કરે છે એ વાત સાચી, પણ આખરી નિર્ણય લેવાનું તેણે મારા ઉપર છોડયું છે. તેની ફિલ્મ ‘નિકાહ’ અને તેની ગઝલ ‘દિલ કે અરમા આંસુઓ મેં બહ ગયે….’ આજે પણ લોકો ખરા દિલથી સંભારે છે તે જોતાં મને તેની વાત સાચી લાગે છે. કળા ક્ષેત્રે કરેલું ઉમદા કામ દાયકાઓ સુધી સંભારવામાં આવે એ જ કળાકારની ખરી કદર ગણાય. જે રીતે મારી મમ્મીએ પોતાની કારકિર્દીનો આરંભ ગાયકીથી કર્યો હતો અને પછીથી અભિનય ક્ષેત્રે કદમ માંડયા હતા તેવી જ રીતે હું પણ કરવાની છું. આજે મારો કંઠ ખાસ્સો લોકપ્રિય બની ગયો છે. અને ટૂંક સમયમાં હું એક ફિલ્મમાં અભિનય કરતી પણ જોવા મળીશ.
ઝારા રેમાની કોન્સર્ટ બાબતે કહે છે કે મારા માટે આ નાનીસુની વાત નહોતી. રેમાને મળ્યા પછી મને જાણ થઈ કે તે કેટલો નમ્ર છે. તે આટલો ખ્યાતનામ હોવા છતાં મારા જેવી આર્ટિસ્ટ વિશે જાણવાની ઉત્સુકતા રાખતો હતો એ જ તેની વિન્રમતા સૂચવે છે