રાધિકા મદનના પ્રોજેક્ટ પસંદ કરવાનાં ઓજારો

ભારતીય ફિલ્મ ઉદ્યોગની ઊભરતી અદાકારા રાધિકા મદન પ્રોજેક્ટ પસંદ કરવા બે જ નિયમોનું પાલન કરે છે. અંતઃસ્ફૂર્ણા પર વિશ્વાસ અને ધગશનું અનુસરણ. તેની આ જ માર્ગદર્શિકાથી તેણે ‘કચ્ચે લિંબુ’ જેવી ફિલ્મ પસંદ કરી હતી જેનું પ્રીમિયર ગયા મહિને જ થયું. હાલના સમયમાં કેવી ફિલ્મો ચાલી શકે અને યુવા કલાકારોએ કેવી રીતે રોલ પસંદ કરવા તેના વિશે અસંખ્ય સલાહ મળી હોવા છતાં રાધિકાએ પોતાના અંતરની વાત સાંભળી અને રોલ સ્વીકારી લીધો. 

રાધિકા કહે છે કે જ્યારે આવી સ્ક્રિપ્ટ સામે આવે ત્યારે જાતને પૂછવું પડે છે કે કલાકાર બનવા પાછળનો હેતુ શું છે? આવી ફિલ્મો સ્વીકારવામાં મોટું જોખમ હોય છે, પણ હું સ્પર્ધામાં નથી. મારે કોઈ રેસ નથી જીતવી. 

મારે તો એક્ટીંગ માણવી છે. ભાઈ-બહેનની મસ્તીની આસપાસ વણાયેલી આ ફિલ્મ સ્પષ્ટપણે રાધિકાની કલાત્મક સંવેદનશીલતાનો પડઘો પાડે છે.

એક તરફ ‘સૂરારાઈ પોટ્ટરુ’ની રિમેક માટે અક્ષય કુમાર સાથે સહયોગ કરવાનો તેનો નિર્ણય અણધાર્યો કહી શકાય, પણ રાધિકા માને છે કે તે પોતાના લક્ષ્યાંકો સાથે સુસંગત છે. બંને મુખ્ય કલાકારો વચ્ચે ૨૭ વર્ષના વય તફાવતની એક તરફ ચર્ચા થઈ રહી છે ત્યારે રાધિકાએ એવી અભિનેત્રી તરીકે નામના કાઢી છે જે માત્ર પોતાના પોર્ટફોલિયોમાં મોટા ગજાની ફિલ્મ હોવી જોઈએ તેવા આશયથી ફિલ્મ નથી સ્વીકારતી.

રાધિકા કબૂલ કરે છે કે ૨૦૨૦માં રજૂ થયેલી સૂરુરાઈ પોટ્ટરુ ફિલ્મ અને તેમાં અપર્ણાએ ભજવેલું બાલામુરાલીનું પાત્ર તેના ખૂબ જ પ્રિય હતા. રાધિકા કહે છે કે આ ફિલ્મ સ્વીકારતી વખતે મારો કો-સ્ટાર કોણ છે તેની પણ મને ખબર નહોતી. 

મને છેલ્લી ઘડીએ જાણ થઈ કે અક્ષય કુમાર મારો કો-સ્ટાર છે. ફિલ્મ વિશે મારી સ્ફૂર્ણા સાચી પડી. રિમેકનું શૂટ પુરુ થયા પછી મૂળ ફિલ્મને પાંચ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા. મારો સહકલાકાર કોણ છે તેની પરવા કર્યા વિના મેં કરેલી ફિલ્મની પસંદગી સાચી ઠરી.

મદન સક્રિયપણે એવા પ્રોજેક્ટ પસંદ કરે છે જેમાં તેની મહત્વની ભૂમિકા હોય અને જેમાં તે નોંધપાત્ર ફાળો આપી શકે. સુધા કોંગારા દિગ્દર્શિત ફિલ્મમાં રાધિકાને આવી જ તક મળી. રાધિકાએ કોંગારાના સમર્થનની પ્રશંસા કરતા કહ્યું કે આ રોલ માટે મારા પર સંપૂર્ણ વિશ્વાસ રાખવા બદલ હું તેની આભારી છું.

રાધિકા જેમ જેમ પોતાની કારકિર્દીમાં આગળ વધી રહી છે તેમ તેમ તેના ચાહકો અને ફિલ્મ ઉદ્યોગના જાણકારો તેના આગામી પ્રોજેક્ટોની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. એક તરફ સૂરુરાઈ પોટ્ટરુની રિમેક અને સના રજૂ થવાની તૈયારીમાં છે ત્યારે એવી અફવા ઊડી છે કે રાધિકાની ૨૦૨૧માં રજૂ થયેલી ‘શિદ્દત’ની સીક્વલમાં તેનું સ્થાન પરિણીતી ચોપરાને મળવાનું છે. રાધિકાએ આ બાબતે મંતવ્ય આપવાનું ટાળતા કહ્યું કે ફિલ્મ સર્જકોને પોતાની ફિલ્મ વિશે અંતિમ નિર્ણય લેવાનો પૂરો હક્ક છે.

રાધિકા મદનની ફિલ્મી કારકિર્દીમાં તેણે ક્યારે પણ બાહ્ય દબાણો અથવા લોકપ્રિયતાના આધારે ફિલ્મોની પસંદગી નથી કરી. તે વ્યક્તિગત અને કલાત્મક ધોરણે પ્રોજેક્ટોને પ્રાથમિકતા આપે છે. આવા અભિગમથી એક કલાકાર તરીકે તેને સંતુષ્ટિ જ નહિ પણ સાથે તેના પરફોર્મન્સ દ્વારા દર્શકો પર કાયમી પ્રભાવ પાડી શકે છે.  પોતાની કળા પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા સાથે રાધિકા સીનેમાનું દુનિયામાં એક અનોખી કેડી કંડારવા તૈયાર છે.