રીમિક્સ ‘કલિયોં કા ચમન’ દ્વારા અપ્રતિમ ખ્યાતિ પ્રાપ્ત કરનાર અભિનેત્રી મેઘના નાયડુ  છેલ્લા  પાંચ વર્ષથી  લાઈમલાઈટથી  દૂર હતી. પણ હવે તે કેમેરા સામે પરત ફરવા કટિબધ્ધ છે. લગભગ  ૧૩ વર્ષ  અગાઉ મેઘના દુબઈ ઉપડી ગઈ હતી.  પછીથી  ૨૦૧૬ની  સાલમાં તેણે પોર્ટુગિઝ ટેનિસ ખેલાડી લુઈસ મિગ્યુઅલ રેઈસ સાતે પોતાનો સંસાર  માંડયો.

છેલ્લે ધારાવાહિક  ‘સસુરાલ સિમર કા’  (૨૦૧૬) માં  જોવા મળેલી મેઘનાને જ્યારે  જ્યારે મનગમતા  કામની ઓફર મળતી ત્યારે  તે ભારત આવતી.  અને હવે તે સ્વદેશ પરત ફરી છે. અદાકારા કહે છે કે  હું નહોતી ઈચ્છતી કે મારા કામમાં  વારંવાર અડચણ પેદા થાય.   તેથી  મેં  ભારત પરત ફરવાનો નિર્ણય  લીધો.  ગોવામાં મારું પોતાનું  ઘર છે. મારા પતિને પણ  ત્યાં  ફાવે છે.  મુંબઈનો  ટ્રાફિક  અને ગીચતા   તેમનાથી સહન નથી થતાં તેથી હું મારા કામ માટે ગોવાથી મુંબઈ  આવતી-જતી રહીશ.

મેઘનાને  એ વાતની ખુશી  છે કે તે એવા સમયે સ્વદેસ પાછી ફરી  છે જ્યારે અહીં કલાકારો માટે પુષ્કળ  કામ છે.  અદાકારા ભૂતકાળ  સંભારતા કહે છે કે અગાઉ  જ્યારે મને ‘સેક્સી’, ‘હોટ’ જેવા વિશેષણોથી સંબોધવામાં આવતી ત્યારે  પ્રારંભિક  તબક્કે મને બહુ ગમતું. પણ  ધીમે ધીમે  મને અનુભૂતિ  થવા લાગી  કે આવા બિરુદોને  કારણે મારી અંદર રહેલી અદાકારને બહાર  આવવાની તક નથી મળી રહી. લોકો મને સેક્સ  ઓબ્જેક્ટ તરીકે જોઈ રહ્યાં છે. આ વાત મને કનડવા  લાગી. આ કારણે જ મને હિન્દી  ફિલ્મોમાં  ચુંબનના કે  કામોત્તેજક દ્રશ્યો  આપવા પડે એવા રોલ ઓફર થતાં  તો હું તે નકારી કાઢતી.  મેં પાર્ટીઓમાં  જવાનું પણ  છોડી દીધું.  હું મારી  બી-ગ્રેડ  એક્ટ્રેસની  ઈમેજમાંથી  બહાર આવવા માગતી હતી,  પરંતુ તેના સર્જકો  મને માનભરી  નજરે જોતાં હતાં.  હવે મને એ વાતની  ખુશી  છે કે જ્યારે કલાકારો માટે  ઘણાં વિકલ્પો  મોજૂદ  છે ત્યારે  હું પરત ફરી છું.

જો કે  મેઘનાને  આજે પણ હોટ કે સેક્સી  રોલ કરવામાં વાંધો નથી.  તે કહે છે કે  જો કહાણીમાં  આવશ્યક હોય તો આવા દ્રશ્યો   આપવામાં કંઈ ખોટું નથી.  પરંતુ હું માત્ર અને માત્ર  આવા રોલ કરવા નથી માગતી.  મને વિવિધ પ્રકારની ભૂમિકાઓ  ભજવીને  મારી પ્રતિભા દર્શાવવી  છે. મને ટીવી શો કરવામાં પણ વાંધો નથી.  જો કે હું મર્યાદિત  સમયમાં  સમાપ્ત થનારી  સીરિયલ કરવાનું વધુ  પસંદ કરીશ.