સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનનું સત્તાવાર નામ ધરાવતાં સેન્સર બોર્ડમાં અશ્લીલ સંવાદો કે દૃશ્યો કે બીજી કોઈ વાંધાજનક બાબતો અંગે કોઈ ચોક્કસ નીતિ જ નથી અને વ્હાલાંદવલાંના આધારે જ નિર્ણયો લેવાય છે તેવા આક્ષેપો વધુ એક વખત સાબિત થયા છે. સંજુ’ ફિલ્મમાં રણબીર કપૂરના મુખે જે અશ્લીલ સંવાદો યથાતથ રાખવામાં આવ્યા હતા તે જ સંવાદો પર કાર્તિક આર્યનની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’માં કાતર ફેરવી દેવામાં આવી છે. જે સંવાદો ‘સંજુ’ વખતે પાસ થઈ ગયા તે થોડાં વર્ષો પછી કેવી રીતે વાંધાજનક સાબિત થઈ ગયા તેવો સવાલ નેટીઝન્સ ઉઠાવી રહ્યા છે.સેન્સર બોર્ડમાં વગના જોરે ગમે તેવાં  દૃશ્યો કે સંવાદો પાસ કરાવી શકાય છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે. 

‘સંજુ’ ફિલ્મમાં રણબીર કપૂર જાતીય સમાગમ માટે એક બેહદ અશ્લીલ શબ્દનો ઉપયોગ કરે છે. આ જ શબ્દ ‘સત્યપ્રેમ કી કથા’ માં પણ વપરાયો હતો. પરંતુ, સેન્સરે તેને મ્યૂટ કરી દેવા જણાવ્યું છે.  જાતીય સંદર્ભ ધરાવતો અન્ય એક ડાયલોગ પણ બદલી નાખવામાં આવ્યો છે. એક ગીતમાં ‘ચેલીયાં’ની જગ્યાએ ‘સહેલીયાં’ શબ્દનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવી છે. સેન્સર બોર્ડે આવા કુલ સાત ફેરફાર સૂચવ્યા છે. ફિલ્મમાં કરાયેલા કેટલાક તથ્યાત્મક દાવાના સંદર્ભમાં સર્જકોને તેના પુરાવા રુપે દસ્તાવેજો આપવા પણ જણાવાયું હતું. આ જ સેન્સર બોર્ડ દ્વારા ‘આદિપુરુષ’ ફિલ્મમાં ભગવાનના મુખેથી ટપોરી કક્ષાના સંવાદો તથા કેટલાંક હકીકતદોષ પાસ કરી દેવાયા હતા. તાજેતરમાં અલ્હાબાદ હાઈકોર્ટે પણ ‘આદિપુરુષ’ જેવી ફિલ્મ પાસ કેવી રીતે થઈ ગઈ તે મુદ્દે સેન્સર બોર્ડની આકરી ઝાટકણી કાઢી છે. 

By admin