ગેસ લીકેજ બાદ ફ્લેશ ફાયરથી દાઝી ગયેલી મહિલાનું મોત

રૂસ્તમપુરામાં આવેલા મોટા કુંભારવાડમાં બુધવારે સવારે ગેસ લીકેજ થયા બાદ જોરદાર ધડાકા સાથે ફ્લેશ ફાયર થતા દાઝી ગયેલા દંપતિ પૈકી મહિલાનું સારવાર દરમિયાન બુધવારે રાત્રે મોત નીપજ્યું હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ રૂસ્તમપુરામાં મોટા કુંભારવાડમાં આવેલા શિવ સાંઈ રેસીડેન્સીમાં રહેતા 50 વર્ષીય વસંતીબેન ચેતનભાઇ ચપડીયાના ઘરમાં મંગળવારે રાત્રિ દરમિયાન ગેસ લીકેજના લીધે રૂમમાં ગેસ એકત્ર થયો હતો. બાદમાં બુધવારે વહેલી સવારે વાસંતીબેન પાણી ગરમ કરવા માટે ગેસનો ચૂલો ચાલુ કરવા ગયા હતા. જેના લીધે પ્રચંડ તડાકા સાથે ફ્લેશ ફાયર થતાં આગ ભડકી ઉઠી હતી. જેમાં આગની ઝપેટમાં વસંતીબેન અને તેમના પતિ ચેતનભાઇ (ઉ.વ-56) આવતા દાઝી ગયા હતા. જેથી બંનેને સારવાર 108 એમ્બ્યુલન્સ સ્મીમેર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી વસંતીબેન વધુ સારવાર માટે ફરી સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બુધવારે રાત્રે વસંતીબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે આગને લીધે તેમના ઘરમાં બારી-બારણાં, ઘરવખરી સહિતની ચીજ વસ્તુઓને નુકસાન થયું હતું. આ અંગે સલાતપૂરા પોલીસે તપાસ હાથ ધરી છે.