મોર્ટાર-આઈઈડી જપ્ત: 135ની ધરપકડ

મણિપુરમાં હિંસા ફેલાવતા જૂથો સામે કેન્દ્રીય અને રાજ્યની સુરક્ષા એજન્સીઓએ આકરી કાર્યવાહી શરૂ કરી હતી. હિંસાગ્રસ્ત જિલ્લાઓમાં ઠેર-ઠેર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. એ દરમિયાન ઉગ્રવાદી સંગઠનોના ૧૨ બંકરો તોડી પાડવામાં આવ્યા હતા. છ મોર્ટાર-આઈઈડી જપ્ત કરવા ઉપરાંત ૧૩૫ની ધરપકડ કરવામાં આવી હતી. મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે ગૃહમંત્રી સાથે મુલાકાત કરી હતી. એ પછી સુરક્ષા એજન્સીઓએ આ કાર્યવાહી કરી છે.

મણિપુરમાં લગભગ ૫૦ દિવસથી હિંસા વ્યાપી છે. શાંતિની વારંવારની અપીલ પછી પણ હિંસા સંપૂર્ણ કાબૂમાં આવી નથી. હિંસામાં અત્યાર સુધીમાં ૧૨૦ લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને ૩૦૦૦ કરતાં વધુને ઈજા પહોંચી છે. ૫૦ હજાર જેટલાં લોકો આશ્રયગૃહમાં રહેવા મજબૂર બન્યા છે. હિંસાના કાબૂ કરવાના ભાગરૂપે કેન્દ્રીય અને રાજ્યની સુરક્ષા એજન્સીઓએ એક્શન લીધું છે. તમેંગલૌંગ, પૂર્વીય ઈમ્ફાલ, વિષ્ણુપુર, કાંગપોકપી, ચુરાચાંદપુર, કાકલિંગમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એ દરમિયાન વિસ્ફોટકોનો જથ્થો અને હથિયારો મળી આવ્યા હતા. ૧૩૫ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હિંસા ફેલાવતા જૂથોના ૧૨ બંકરો સુરક્ષાદળોએ તોડી પાડયા હતા.

મણિપુર પોલીસના કહેવા પ્રમાણે હજુય તંગદિલી છે, પરંતુ ઘણાં વિસ્તારોમાં હિંસા શમી ગઈ છે. ઘણાં વિસ્તારોમાં હિંસાના નવા બનાવો બન્યા નથી. હિંસા ફેલાઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં ૧૧૦૦ હથિયારો, ૧૩૭૦૨ વિસ્ફોટકો અને ૨૫૦ બોમ્બ જપ્ત થયાં છે. પોલીસે હિંસા ફેલાવવા બદલ અને કર્ફ્યૂનો ભંગ કરવાના આરોપમાં ધરપકડો કરી છે. તે ઉપરાંત ઘણા આરોપીઓને નજર કેદ કર્યા છે. ૩જી મેના રોજ હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી સતત અલગ અલગ વિસ્તારોમાં હિંસાના બનાવો નોંધાયા છે. મેઈતી જાતિની અનામતની માગણી સામે કૂકી જાતિના લોકોએ વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા. તે પછી બંને જાતિના લોકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરીને પાછા ફરેલા મુખ્યમંત્રી એન. બિરેન સિંહે જણાવ્યું હતું કે મણિપુરમાં બદલાયેલા હિંસાના સ્વરૂપથી ગૃહમંત્રી ચિંતિત છે. તેમણે કેન્દ્રની તમામ સહાયની ખાતરી આપી છે. કેન્દ્રીય મંત્રી આરકે રંજન સિંહના ઘર પર થયેલા હુમલા બાબતે ગૃહમંત્રીએ ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારે કરેલી કાર્યવાહીને અહેવાલ ગૃહમંત્રીને આપ્યો હતો અને મણિપુરમાં થોડા દિવસમાં શાંતિ સ્થાપવાની ખાતરી આપી હતી. રાજ્યમાં ૪૦ હજાર જેટલાં સુરક્ષાકર્મચારીઓ તૈનાત છે, જેમાં આર્મી અને અર્ધ લશ્કરી દળોના જવાનોનો પણ સમાવેશ થાય છે. મણિપુરની હિંસાના સંદર્ભમાં ચર્ચા કરવા ગૃહમંત્રી અમિત શાહે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી.