રશિયામાં પ્રાઈવેટ આર્મી ચલાવતા વેગનર ગ્રુપના ચીફ પ્રિગોજીને રશિયન પ્રમુખ પુતિન સામે કરેલી બગાવતની વચ્ચે ભારતના પાડોશી દેશ નેપાળના ગોરખા સૈનિકો પણ વેગનર ગ્રુપમાં સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે. 

એવી જાણકારી સામે આવી છે કે, નેપાળની આર્મીમાંથી નિવૃત્ત થનારા ઘણા ગોરખા સૈનિકો અને બેરોજગાર યુવાઓ વેગનર ગ્રુપમાં એટલા માટે જોડાયા છે કે, રશિયાની નાગરિકતા મળી શકે. 

હવે વેગનર ગ્રુપમાંથી લડનારા સૈનિકો રશિયન આર્મીમાં સામેલ થાય તેવી શકયતા છે. આ જાણકારી સામે આવ્યા બાદ નેપાળની સરકાર પણ ચોંકી ઉઠી છે. કારણકે નેપાલ અને રશિયા વચ્ચે નાગરિકોના અન્ય દેશની સેનામાં જોડાવા અંગે કોઈ સંધિ નથી. જોકે વેગનર ગ્રુપ થકી હવે ગોરખાઓ રશિયાની સેનામાં સામેલ થઈ શકે છે. 

એમ પણ રશિયાએ 16 મેથી વિદેશી નાગરિકોને દેશની નાગરિકતા આપવાની કાર્યવાહી આસાન કરી દીધી છે. યુક્રેન સાથે ચાલી રહેલા યુધ્ધને ધ્યાનમા રાખીને આ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં રશિયા વતી લડનારા  વિદેશીઓને દેશની નાગરિકતા આપવાની જાહેરાત કરાઈ છે. જેના કારણે નેપાળના ગોરખા યુવાઓ રશિયા તરફ આકર્ષાઈ રહ્યા છે. 

નેપાળમાં એમ પણ બેરોજગારીનો દર 11 ટકાની આસપાસ છે. બીજી તરફ  ભારતીય સેનાએ અગ્નિવીર સ્કીમ શરુ કરી છે અને તેની સામે નેપાળનો વિરોધ હોવાથી ભારતીય સેનામાં પણ ગોરખાઓની ભરતી અટકી પડી છે.