મુંબઇથી દિલ્હી જઇ રહેલી ખાનગી એરલાઇન્સની ફ્લાઇટમાં એક પ્રવાસીએ મોબાઇલ ફોન પર પ્લેન હાઇજેક કરવાની વાતચીત કરતા ગભરાટ ફેલાઇ ગયો હતો. મુંબઇ એરપોર્ટ પરથી ફ્લાઇટ ટેક ઓફ પહેલા બનેલી ઘટનામાં આરોપી પ્રવાસીની ધરપકડ કરવામાં આવી હતી.

છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો.  ક્રૂ મેમ્બર અને આસપાસના અન્ય લોકોએ શંકાસ્પદ વાતચીત કરતા  સાંભળ્યા પછી હરિયાણાના રહેવાસી પેસેન્જરને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યો અને સુરક્ષા કર્મચારીઓને સોંપવામાં આવ્યો હતો. એરક્રાફ્ટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.  સત્તાવાળાઓ  દ્વારા ક્લિયરન્સ મળ્યા બાદ ફ્લાઇટ દિલ્હી જવા માટે ઉપડી હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના ગઇકાલે સાંજે ફ્લાઇટ દિલ્હી માટે ઉપડવાની હતી તે પહેલાં બની હતી. તમામ પ્રવાસીઓ તેમની સીટ પર બેસેલા હતા. અને કેબિન ક્રૂના તેમના કામમાં વ્યસ્ત હતા. તે સમયે કેબિન ક્રૂના એક સભ્ય અને અન્ય પ્રવાસીઓએ રિતેશ જુનેજાનો મોબાઇલ ફોન પર વાતચીત કરતા સાંભળ્યો હતો. તે હિન્દીમાં કહેતો હતો કે ‘અમદાવાદ કા ફ્લાઇટ બોર્ડ કરને વાલા હૈ, કોઇ ભી દિક્કત હો તો મુઝે કોલ કરના. હાઇજેક કા સારા પ્લાનિંગ હૈ. ઉસકા સારા એક્સેસ હૈ. ચિંતા મત કરના!

તેની વાતો સાંભળીને નજીકમાં બેસેલા પ્રવાસીઓ ડરી ગયા હતા. એમાંથી ઘણા ઉભા થઇ ગયા હતા. કેબિન ક્રૂ મેમ્બરે ફ્લાઇટના સુરક્ષા કર્મચારીઓને બોલાવ્યા અને રિતેશને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઇએસએફ)ને સોંપવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. આરોપી પેસેન્જર રિતેશને સહાર પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્ય ોહતો. ૨૭ વર્ષીય કેબિન ક્રૂ મેમ્બર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આરોપીની માનસિક સ્થિતિ સારી નહોતી અને ૨૦૨૧થી તેની તબીબી સારવાર ચાલી રહી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. ભારતીય દંડ સંહિતાથી કલમ ૩૩૬, ૫૦૫ (૨) હેઠળ રિતેશ સામે એફઆઇઆર દાખલ કરાઇ હતી. વિસ્તારા એરલાઇનના પ્રવસ્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ”૨૨ જૂનના સાંજે ૬.૩૦ કલાકે મુંબઇથી દિલ્હી જતી ફ્લાઇટ યુકે૯૯૬માં એક પેસેન્જર સંબંધિત આ ઘટના બની હતી. આ બનાવથી સંબંધિત સત્તાવાળાઓને  તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને પેસેન્જરને તેમને સોંપવામાં આવ્યો હતો. સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ક્લિયરન્સ પછી બાકીના પેસેન્જર સાથે ફ્લાઇટ ઉડાન ભરી હતી. અમે  સિક્યુરિટી એજન્સીને  તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. પેસેન્જર અને સ્ટાફની સલામતી- સુરક્ષા માટે મક્કમ છે.