જનતાની દરકાર કરે એ સાચી સરકાર, બાકી બે-દરકાર જુદા જુદા રાજ્યોનવી સરકારો પ્રજાહિતમાં કરેલાં કાર્યોની ગુલબાંગો ઝીંકે છે, જ્યારે બીજી તરફ મદદની ખરેખર જરૂર હોય તેણે કેવી યાતના સહન કરવી પડે છે. તેનો હૈયું હચમચાવી  નાખે એવો કિસ્સો મધ્યપ્રદેશમાંસામેઆવ્યોછે. 

 અશોકનગરમાં  રહેતાં ૯૦ વર્ષનાં દિવ્યાંગ ડોશીમાં  ૧૮૦ કિલોમીટર દૂર ગામે રહેતી માનેલી  દીકરીને મળવા માટે  તડપતાં હતાં. પરંતુ અત્યંત ગરીબ સ્થિતિને લીધે ટેક્સી ભાડે કરવાની વાત  તો જવા દ્યો, એસટી બસનું ભાડું ચૂકવવાની ત્રેવડ પણ નહોતી. કેટલાય લોકો પાસે  મદદ માટે આજીજી  કરી, સહાય મેળવવા હાથ લાંબો કરી  જોયો પણ બસનું આવવા-જવાનું ભાડું નીકળે એટલા પૈસા ન મળ્યા. લિબિયાબાઈ નામની આ વૃદ્ધાએ હાર ન માની. પોતાની ત્રણ પૈડાંની ટ્રાઈસિકલ પર બેસી હાથેથી પેડલ મારીને માનેલી દીકરીના ગામની દિશામાં અત્યંત આકરી સફર આદરી. જરા વિચાર કરો, ભલભલા જુવાનો પણ આગ વરસાવતી ગરમીમાં  પગે ચાલીને નીકળવાની હિમ્મત ન કરે એવાં તાપમાં  આ દિવ્યાંગ વૃદ્ધાએ સવારથી સાંજ સુધી ટ્રાઈસિકલ ચલાવી આગળ વધવા માંડી. રસ્તામાં ભૂખ લાગે ત્યારે  સૂક્કા રોટલા ખાઈ લે અને ઘૂંટડો પાણી પી લે. આમ અઠવાડિયા સુધી  ટ્રાઈસિકલ  ચલાવીને ૧૭૦ કિલોમીટરનું  અંતર કાપી  રાજગઢ જિલ્લામાં રહેતી દીકરીના ઘરે પહોંચી ત્યારે વયોવૃદ્ધ માતાની આ સાહસયાત્રાની ખબર પડતાં પુત્રીના રાજીપાનો કોઈ પાર ન રહ્યો. સોશિયલ  મિડીયામાં વૃદ્ધાની આ ટ્રાઈસિકલ યાત્રાની વિડીયો વીજળીની ઝડપે વાઈરલ થઈ ત્યારે લોકોએ તેની હિમ્મતને  બિરદાવવાની સાથે સાથે  તેને મદદ નહીં કરનારા પર ફિટકાર પણ વરસાવ્યો હતો. એટલે કહેવું પડે કે- 

માનીતી અને માનેલી દીકરીને

મળવા માજી પહોંચ્યાં હેમ-ખેમ,

પણ માજીને મદદ ન કરનારા

માટે કહેવું પડે શેમ… શેમ.

વર ગુમાવી

બની ડ્રાઈ-વર

 સ્ત્રી અને પુરૂષ સંસારરથના બે પૈડાં  છે, આમાંથી એક પૈડું ખડી પડે તો બધો ભાર બીજા પૈડાં પર આવી પડે. પ્રિયંકા નામની બિહારની એક મહિલાનો પતિ દારૂની લતમાં મૃત્યુ પામતા બે માસૂમ બાળકોની જવાબદારી તેને માથે આવી પડી. પ્રિયંકા  હિમ્મત એકઠી કરી દિલ્હી  પહોંચી ગઈ અને પછી  દોઢ હજારના પગારના કારખાનામાં  કામે લાગી, પણ દિલ્હી જેવા શહેરમાં આટલી ઓછી આમદાનીમાં  ક્યાંથી પૂરૃં થાય? એટલે  ચાની ટપરી ખોલી. પણ એમાં સુદ્ધાં કિસ્મતે સાથ ન આપ્યો. છેવટે  સગાવ્હાલાના વિરોધ વચ્ચે ટ્રક ચલાવતા શીખી અને પછી એક ટ્રાન્સપોર્ટ કંપનીની ટ્રક દેશના એક છેડેથી બીજે છેડે દોડાવવા લાગી. એમાં એને  ખબર પડી કે ઉત્તર પ્રદેશ સરકાર એસ.ટી. ડ્રાઈવર તરીકે  મહિલાઓને ભરતી કરવાની  છે. એટલે  સીધી યુ.પી. પહોંચી  અને  ડ્રાઈવિંગની આકરી ટેસ્ટ  પાસ કરી  એસ.ટી. ડ્રાઈવર બની ગઈ. આજે વટથી યુનિફોર્મમાં સજ્જ તઈને બસ દોડાવવા માંડી છે. આ અબળામાંથી સબળા બનેલી મહિલાની હિમ્મતને દાદ આપતા કહેવું પડે કે-

જ્યારે આવ્યો બોજો માથા પર

ત્યારે વર ગુમાવી બની

ડ્રાઈ-વર,

બે-બસ દશામાં

મુંઝાવાને બદલે

દોડાવા માંડી બસ રોડ પર.

જીવનસાથીને જેલમાં જોઈને જીવનનો અંત

જેલમાં બંધ કેદીઓને મળવા માટે  પરિવારજનો આવતા હોય છે. મહારાષ્ટ્રની અમુક જેલોમાં  કેદીઓને  ચોક્કસ સમયે વિડીયોકોલ કરી સ્વજનો સાથે વાત કરવાની સુવિધા અપાય છે જેથી કેદીને માનસિક રીતે રાહત મળે અને મન હળવું થાય. પરંતુ બિહારના ભાગલપુરની જેલમાં અત્યંત  આઘાતજનક  ઘટના બની  હતી જેને લીધે  કારાગૃહની  કાળમીંઢ  દીવાલો પણ કંપી ઊઠી હતી. આ કરૂણ કિસ્સામાં  ગર્ભવતી યુવતી જેલમાં બંધ પતિને  મળવા આવી હતી. મુલાકાત ખંડમાં જેલના સંત્રીઓ યુવતીના પતિને લઈને આવ્યા. જેની સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં એ  જીવનસાથીને  આ રીતે  બંદીવાન દશામાં જોતાંની સાથે સગર્ભા  જમીન પર ફસડાઈ પડી હતી  અને તેનું  પ્રાણપખેરું ઊડી ગયું હતું. આમ કેદીની નજર સામે જ તેની પ્યારી  પત્ની અને તેના ગર્ભમાં આકાર લઈ રહેલા શિશુનો અંત આવ્યો હતો. 

શસ્ત્ર વિના

દુશ્મનોનો સામનો

દેશના સીમાડાની હિફાઝત કરતી ભારતીય સેનાના જવાનો માટે અબજો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક શસ્ત્રો ખરીદવામાં આવે છે, પરંતુ દગાબાજ  દુશ્મન ચીનના જવાનોને કોઈ પણ શસ્ત્ર વિના પરાસ્ત કરવા માટે આપણાં સૈનિકોને  ઈઝરાઈલી  માર્શલ આર્ટની  ટ્રેનિંગ આપવામાં  આવી રહી છે. કારણ એ કે ભારત-ચીન સરહદ પર પહેરો ભરતાં બન્ને દેશના જવાનો  હથિયારનો  ઈસ્તેમાલ કરી નથી શકતા, પણ ખૂંટલ અને ખતરનાક ચૂંચા ચીની સૈનિકો અવારનવાર આપણી સીમમાં ધસી આવે ત્યારે વગર હથિયારે એમને પાછા હાંકી  કાઢવા માટે  ઈઝરાઈલી  માર્શલ  આર્ટની  ટ્રેનિંગ  આપવામાં આવી રહી  છે. આ માર્શલ આર્ટ ક્રાવ-માગા નામે  જાણીતી છે. કરાટે અને જુડો  સહિત જુદી જુદી  માર્શલ આર્ટની  અસરકારક ટેકનિકને મેળવી ક્રાવ-માગા માર્શલ આર્ટ વિકસાવવામાં  આવી છે. ભારત-ચીન સીમા પર તહેનાત આઈટીબીપી (ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ)ના જવાનોને  ક્રાવ-માગાની તાલીમ  આપી નિઃશસ્ત્ર મુકાબલા માટે સજ્જ કરવામાં આવી રહ્યાં છે. હથિયાર વગરના મુકાબલાની તાલીમ જોઈને એક ઉર્દૂ શાયરે   પ્રેમિકા વિશે જુદા સંદર્ભમાં  લખેલો શેર યાદ આવે-

ઈસ સાદગી પે

કૌન ન મર જાય એ ખુદા,

લડતે હૈ મગર

હાથ મેં તલવાર ભી નહીં.

શસ્ત્ર વિનાના સામના માટે ક્રાવ-માગા માર્શલ આર્ટ શીખ્યા પછી આપણા જવાનો  જ્યારે  ચૂંચા  અને લુચ્ચા ચીનાઓને ઠમઠોરશે ત્યારે કહી શકાશે-

બોલો કૈસા માર લાગા

ક્રાવ-માગા સે ચીની ભાગા.

નાગાલેન્ડમાં હોટ-ડોગ નહીં ડેડ-ડોગ ખાવાની છૂટ

ફાસ્ટ-ફૂડ સેન્ટરોમાં હોટ-ડોગનું  ધૂમ વેંચાણ થાય છે, પરંતુ નાગાલેન્ડમાં  ડેડ-ડોગ એટલે કે શ્વાનનું માંસ ખાવાની  ત્યાંની વડી અદાલતે  છૂટ આપી છે. અન્ય રાજ્યોમાં કૂતરાને મારવા ઉપર  પ્રતિબંધ છે, જ્યારે નાગાલેન્ડમાં તો ડોગ-મીટ નાગાઓનું ભાવતું ખાણું હોવાથી  ગુવાહાટી હાઈકોર્ટનો કોહિમા બેન્ચે  જુલાઈ ૨૦૨૦માં  શ્વાન-માંસ  પર પ્રતિબંધ  મૂકાયો હતો એ  ઉઠાવી  લીધો છે. એટલે હવે નાગાલેન્ડમાં કૂતરાના માંસનું ખરીદ-વેચાણ પૂરજોશમાં  શરૂ થઈ જશે, એટલું જ નહીં ત્યાંની હોટેલોમાં પણ ડોગ-મીટમાંથી બનાવવામાં આવેલી જાતજાતની  વાનગીઓ પીરસાવા માંડશે.  હાઈકોર્ટે  પ્રતિબંધ ઉઠાવવાનો ફેંસલો  સુણાવતી વખતે એવો મત વ્યક્ત કર્યો હતો કે  ડોગ-મીટ એટલે  નાગાઓની  વિવિધ જનજાતિઓમાં  સ્વીકાર્ય આહાર છે અને એટલે  નાગાલેન્ડના  વેપારીઓને પણ ડોગ-મીટનું  વેચાણ કરી આજીવિકા  રળવાનો અધિકાર છે. આમ ભરપૂર  પ્રોટીનયુક્ત શ્વાન-માંસ નાગાલેન્ડવાસીઓ  ખાવા માંડયા  છે એ જાણીને જીવદયા પ્રેમીઓને કેટલી પીડા થતી હશે એની તો કલ્પના જ કરવી રહી.

પંચ-વાણી

સુશીલ સ્ત્રી પતિવ્રતા

કજિયાખોર સ્ત્રી આપત્તિવ્રતા.