ભારતીય બજારમાં ઓગસ્ટ મહિનાથી ઈથેનોલથી દોડતી કાર આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ મુંબઈમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી. આ પ્રસંગે નીતિન ગડકરીએ કહ્યું કે, છેલ્લા 9 વર્ષમાં ભારતે કેટલી પ્રગતિ કરી છે, તેનું ઉદાહરણ જુઓ કે ઓગસ્ટ મહિનાથી ઈથેનોલથી ચાલતી કાર પણ બજારમાં આવી રહી છે.

ટોયોટા લોન્ચ કરશે વાહનો

નીતિન ગડકરીએ જણાવ્યું કે, ઓગસ્ટથી માત્ર ઈથેનોલ પર ચાલતી કાર જ નહીં પરંતુ ઈથેનોલથી ચાલતી બાઈક પણ માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. એટલે કે ઈથેનોલ પર ચાલતા ફોર વ્હીલરની સાથે ટુ-વ્હીલર પણ ગ્રાહકોને મળશે. આ વાહનો 100 ટકા બાયો-ઈથેનોલ પર ચાલશે અને ઈથેનોલ ઈધણ પેટ્રોલ કરતાં ઘણું સસ્તું હશે. આના કારણે પ્રદૂષણ પણ નહીં થાય… ઉલ્લેખનિય છે કે, ટોયોટા કંપની આ વાહનોને લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે. આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઈથેનોલથી ચાલતા વાહનોથી શું ફાયદો થશે ?

ટોયોટાએ ઓક્ટોબર-2022માં જ 100 ટકા ઈથેનોલ પર ચાલતી ભારતની પ્રથમ ફ્લેક્સ-ફ્યુઅલ કાર લોન્ચ કરી હતી. બ્રાઝિલથી આયાત કરાયેલી આ કારને ભારતમાં BS-VI આધારીત ફ્લેક્સ-ફ્યુઅલ સ્ટ્રોંગ હાઈબ્રિડ ઈલેક્ટ્રિક કાર ટેક્નોલોજી તપાસવા માટે પાઈલટ પ્રોજેક્ટના ભાગરૂપે રજૂ કરાઈ હતી. આના પણ હજુ અભ્યાસ થઈ રહ્યો છે કે, આ ટેકનોલોજી કેટલી અસરકારક છે અને તે કાર્બન ઉત્સર્જનને કેટલું ઘટાડી શકે છે. નોંધીય છે કે, બ્રાઝિલ વિશ્વમાં શેરડી અને ઈથેનોલનું સૌથી મોટું ઉત્પાદક છે. અહીં લગભગ 80 ટકા કાર ફ્લેક્સ-ફ્યૂલ પર ચાલે છે. ભારત સરકાર ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોના ઉપયોગને પણ પ્રોત્સાહન આપી રહી છે.

By admin