બોલિવુડમાં અને ઇવન ઓડિયન્સમાં પણ એક એવો ભ્રમ પ્રવર્તે છે કે જે ફિલ્મ કમસે કમ ૧૦૦ કરોડનો બિઝનેસ કરે તો જ એ સાચી બોક્સ-ઓફિસ હિટ ગણાય. ૧૯૭૫માં રિલીઝ થયેલી ‘શોલે’ બ્લોક બ્લસ્ટર હિટ ગણાય છે, પણ શું તમે જાણો છો કે એ જ વરસે રિલીઝ થયેલી ‘જય સંતોષી મા’ એનાથી પણ મોટી હિટ ફિલ્મ હતી? તે એટલા માટે કે ‘જય સંતોષી મા’ની કોસ્ટ પૂરા બે કરોડ પણ નહોતી, જ્યારે શોલે એ જમાનામાં ૩૦-૩૫ કરોડથી વધુના બજેટમાં બની હતી. પ્રોડક્શન કોસ્ટ અને બોક્સ-ઓફિસ કલેક્શનનું ગણિત માંડીએ ને ‘જય સંતોષ મા’ મોટી હિટ ગણાય. 

હવે રાની મુખરજીની ફિલ્મ ‘મિસિસ ચેટરજી વર્સીસ નોર્વે’ને આ સંદર્ભમાં મૂલવવા જેવી છે. નેટફ્લિક્સ પર ‘મિસિસ ચેટરજી વર્સિસ નોર્વે’નું પ્રસારણ શરૂ થયાના બે જ અઠવાડિયાંમાં ફિલ્મ દુનિયાભરના દર્શકો સુધી પહોંચી ગઈ. ફિલ્મ સતત નેટફ્લિક્સની ભારતની ટોપ-૧૦ ફિલ્મોમાં સ્થાન મેળવી રહી છે. સાવ ઓછા બજેટમાં બનેલી ફિલ્મે ૩૭ કરોડ રુપિયાની આવક કરીને આ વરસની બોલિવુડની હિટ ફિલ્મોમાં સ્થાન મેળવી લીધું છે. ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર રાની મુખરજી ચોપરાને એ વાતનો આનંદ છે કે એની ફિલ્મે ૧૦૦ કરોડનું કલેક્શન કરનાર ફિલ્મ જ હિટ ગણાય એવા ભ્રમનો ભુક્કો બોલાવી દીધો છે. એ કહે છે, ‘હિટ કોને કહેવાય એ વિશે ખોટા ખયાલો પ્રવર્તે છે. પ્રોડયુસરને જેમાં પ્રોફિટ થાય એ ફિલ્મ હિટ ગણાય. એકલું બોક્સ ઓફિસ પર એણે કેટલું કલેક્શન કર્યું એના આધારે ફિલ્મ હિટ ન ગણાય. ફિલ્મના પ્રોડક્શન કોસ્ટ કેટલી છે એનો પણ વિચાર કરવો પડે.’ 

૨૦૨૩માં અત્યાર સુધીમાં શાહરૂખની ‘પઠાન’ બ્લોક બ્લસ્ટર છે, જ્યારે ‘ધ કેરલા સ્ટોરી’ અને ‘મિસિસ ચેટરજી વર્સીસ નોર્વે’ સફળ  કેટેગરીમાં મુકાઈ છે. 

‘સતત એવી ડિબેટ ચાલ્યા કરે છે કે મહિલાપ્રધાન ફિલ્મ ચાલે કે નહીં? અફ કોર્સ, ચાલે. કોઈ પણ સારી ફિલ્મ દર્શકોને સ્ક્રીન સુધી ખેંચી લાવે છે. આ ફિલમનો સ્ટાર પુરુષ છે કે સ્ત્રી એનાથી ફિલ્મની સફળતામાં કોઈ ફરક નથી પડતો,’ એવો તર્ક રાની રજુ કરે છે.

અહીં સ્ક્રીન એટલે માત્ર થિયેટર નહીં, પણ ઓટીટી સ્ક્રીન પણ ખરી. ઓટીટીએ ફિલ્મોની સફળતાની માપદંડો ખરેખર બદલી નાખ્યા છે.