એનસીપીમાં નવા સ્ફોટક ઘટનાક્રમ રુપે અજિત પવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતાપદેથી રાજીનામું આપી  સંગઠનમાં કોઈ હોદ્દો આપવાની માગણી ઉચ્ચારતાં ખળભળાટ મચી ગયો છે. હજુ થોડા સમય પહેલાં જ શરદ પવારે તેમનાં પુત્રી સુપ્રિયા સૂળે તથા પ્રફુલ્લ પટેલને કાર્યકારી પ્રમુખ તરીકેના હોદ્દા આપ્યા હતા. ત્યારે પણ સુપ્રિયાએ એમ કહ્યું હતું કે અજિત પવાર પાસે વિપક્ષી નેતા જેવો મોટો હોદ્દો છે. હવે અજિત પવારે આ હોદ્દો છોડી સંગઠનમાં પોતાને સુપ્રિયા કે પ્રફુલ્લ પટેલ સમકક્ષ હોદ્દાની માગણી કરી નાખી છે. એનસીપીની રજત જયંતિ નિમિત્તે ષણમુખાનંદ હોલમાં યોજાયલા કાર્યક્રમમાં શરદ પવાર સહિતના  નેતાઓની હાજરીમાં જ અજિત પવારે આ ધડાકો કરતાં પક્ષના કાર્યકરો ચોંકી ગયા હતા. અજિત પવારના આ નિવેદનોને પગલે એનસીપીમાં ફરી રાજકીય નવાજૂની સર્જાશે કે શું તેની અટકળો શરુ થઈ ગઈ છે. 

અજિત પવારે પક્ષમાંના જ તેમના વિરોધીઓ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે હું વિપક્ષી નેતા તરીકે  બહુ આક્રમક નથી એવા આક્ષેપો થઈ રહ્યા છે. આક્રમક દેખાવા માટે હું શું કરું. શું હું કોઈનો કોલર પકડી લઉ એવું બધા ઈચ્છે છે. તેમણે આ નિવેદન દ્વારા તેઓ શિંદે-ભાજપ સરકાર સાથે અને ખાસ તો ભાજપ સાથે નરમાશથી પેશ આવી રહ્યાના આરોપોનો પણ જવાબ આપ્યો હતો. 

અજિત પવારે કહ્યું હતું કે મારે હવે વિપક્ષી નેતા પદે નથી રહેવું. મને પક્ષમાં કોઈપણ હોદ્દો આપો. હું પક્ષનાં કોઈપણ હોદ્દા પર રહીને કામ કરવા તૈયાર છું. દેખીતી રીતે જ અજિત પવારને સંગઠનમાં સુપ્રિયા  સૂળે કે પ્રફુલ્લ પટેલ કરતાં જુનિયર હોદ્દો આપી શકાય તેમ નથી. આથી, આ માગણી કરીને અજિત પવારે પક્ષના સુપ્રીમો તથા તેમના કાકા શરદ પવારને ભીંસમાં મુૂકી દીધા છે. 

અજિત આટલેથી જ અટક્યા ન હતા. તેમણે શરદ પવાર પર આડકતરી રીતે નિશાન તાકતાં કહ્યું હતું કે જો મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ, કે. ચન્દ્રશેખર રાવ જેવા નેતાઓ પોતાની તાકાત પર પોતાના પક્ષને રાજ્યમાં સત્તાપર લાવી શક્તા હોય તો આપણે કેમ નહીં. 

ઉલ્લેખનીય છે કે એનસીપીની સ્થાપના પછી એક પણ વાર તે પોતાની એકલાની તાકાત પર રાજ્યમાં સત્તા પર આવી નથી. આ નિવેદન દ્વારા અજિત પવારે શરદ પવારની ક્ષમતાને સીધો પડકાર ફેંક્યો છે. તેમણે સાથોસાથ એમ પણ જણાવ્યું હતું કે પાછલી ચૂંટણીમાં પોતે જેટલી બેઠકના ઉમેદવાર સૂચવ્યા હતા ત્યાં તમામ જગ્યાએ પક્ષનો વિજય થયો હતો. આમ, પોતાની ચૂંટણી લડવાની ક્ષમતા વધારે હોવાનું પણ તેમણે સૂચવ્યું હતું. તેમણે શરદ પવારને મોઢામઢ કહ્યું હતું કે પાર્ટી ટોચના નેતાઓથી નહીં પરંતુ પાયાના કાર્યકરોથી ચાલે છે. મને સંગઠનમાં પાયાની જવાબદારી આપો તો હું પરિણામ લાવીને દેખાડી દઈશ. 

અજિત પવારનાં આ નિવેદનનું એક અર્થઘટન એવું પણ થઈ રહ્યું છે કે તેઓ પક્ષ પર પોતાને આગામી વિધાનસભા ચૂંટણી માટે મુખ્યપ્રધાપદનો ચહેરો જાહેર કરવા દબાણ બનાવી રહ્યા છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવારને પક્ષના પ્રદેશ પ્રમુખ જયંત પાટિલ સાથે ઊભા રહે પણ બનતું નથી. હાલ એનસીપીમાં જયંત પાટિલનું જૂથ અને અજિત પવારનું જૂથ એમ બે ફાંટા પડી ગયા છે. જયંત પાટિલને શરદ પવારના સીધા આશીર્વાદ છે. અજિત પવારના ટેકેદારોને સંગઠન પર જયંત પાટિલનું વર્ચસ્વ મંજૂર નથી. અજિત પવારે આ સભામાં ચોખ્ખું કહ્યું હતું કે પક્ષમાં ત્રણ વર્ષની મુદ્દત માટે જ હોદ્દાનો નિયમ છે તો જયંત પાટિલ પાંચ વર્ષથી પ્રદેશ પ્રમુખ તરીકે કેમ છે. 

અજિત પવાર  ભાજપ સાથે જોડાઈ રહ્યાની અટકળો લાંબા સમયથી ચાલે છે. તેઓ અગાઉ ભાજપને ટેકો આપી દેવેન્દ્ર ફડણવીસ સરકારના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ પણ લઈ ચૂક્યા છે. 

અગાઉ, શરદ પવારે પક્ષપ્રમુખપદેથી રાજીનામાંની જાહેરાત કરી ત્યારે સમગ્ર પક્ષે તેનો વિરોધ કર્યો હતો પરંતુ એકમાત્ર અજિત પવારે આ જાહેરાતનું સમર્થન કર્યું હતું. તે પછી શરદ પવારે અજિત પવારની મહત્વાકાંક્ષાઓને કાપી નાખી સુપ્રિયા સૂળે તથા પ્રફુલ્લ પટેલની કાર્યકારી પક્ષ પ્રમુખો તરીકે વરણી કરી હતી.