એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આ વર્ષે એફવાયની બેઠકો ઘટાડી દેવાના નિર્ણયમાં ભારે વિરોધ શરુ થઈ ગયો છે. દર વર્ષે એફવાયબીકોમમાં 7000 કરતા વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. તેની જગ્યાએ આ વખતે માત્ર 5320 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો હોવાથી વડોદરાના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય તેમ છે.

આ સંજોગોમાં હવે વડોદરામાં આ નિર્ણયનો વિરોધ શરુ થઈ ગયો છે. આજે કોમર્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થી સંગઠન ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ ખાતે બેનરો અને પોસ્ટરો સાથે દેખાવો કરવામાં આવ્યા હતા.

આ નિર્ણય લેતા પહેલા સત્તાધીશોએ સિન્ડિકેટમાં પણ પ્રસ્તાવ મુકવાની તસ્દી લીધી નથી. વિરોધ પછી પણ ફેકલ્ટી સત્તાધીશો હજી પણ અક્કડ વલણ અપનાવી રહ્યા છે અને રાતોરાત બદલવામાં આવેલી પ્રવેશની નીતિને વ્યાજબી ઠેરવી રહ્યા છે.

By admin