રાજસ્થાનમાં એક એવુ મંદિર છે જ્યા ઘંટડી વગાડવાની મનાઈ છે. આ ઉપરાંત કોઈ પણ જાતના અવાજ કરવાની પણ મનાઈ છે. આટલુ જ નહી આ મંદિરમાં માં સરસ્વતિની મુર્તિ સાથે સાથે દુનિયાના મહાપુરુષોની મુર્તિઓ પણ લગાવવામાં આવી છે. તેથી આ મંદિરે એક વિશેષ ઓળખ ઉભી કરી છે. 

ખજુરાહોની તર્જ પર બનેલું માતા સરસ્વતીજીનું આ મંદિર રાજસ્થાનના ઝુંઝુનું જિલ્લાના પિલાનીમાં બિટ્સ કેમ્પસમાં આવેલું છે. આ મંદિર દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ બિરલા પરિવારે બનાવ્યું છે. આવો જાણીએ આ મંદિર સાથે જોડાયેલી વાર્તા વિશે…

ક્યા છે આ મંદિર 

બિરલા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ (બિટ્સ) પિલાની પરિવારે વર્ષ 1956 માં આ મંદિરનું નિર્માણ બિરલા પરિવાર શરુ કર્યુ હતું. ચાર વર્ષ પછી 1960માં  આ મંદિર બનીને તૈયાર થઈ ગયુ હતું. 25 હજાર વર્ગ ફુટ વિસ્તારમાં આ મંદિર ફેલાયેલું છે. અને તેમા 70 સ્તંભ છે, તેના ગર્ભગૃહમાં  માતા સરસ્વતિજીની ઉભી મુર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અને આ મુર્તિ 1959માં કોલકતાથી મંગાવવામાં આવી હતી. 

મંદિરમાં 1267 મહાપુરુષોની પ્રતિમાઓ છે

દુનિયાભરમાં એકમાત્ર આ મંદિર છે જ્યા દેશ- દુનિયાના લગભગ 1267 મહાપુરુષોની મુર્તિ બનાવવામાં આવી છે. આ મુર્તિઓ એવા મહાનુભાવોની છે કે જેમણે કળા, શિક્ષણ, સાહિત્ય, વિજ્ઞાન, સંગીત વગેરે ક્ષેત્રેમાં વિશેષ કામગીરી કરેલી હોય તેમની છે. જેમાં ગણિતના આર્યભટ્ટ, મેડમ ક્યુરી, હોમી જહાગીર ભાભા, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોસ સહિત અનેક મહાનુભાવો સામેલ છે. આ મહાનુભાવોની મુર્તિઓ મંદિરના શિખરની ચારેય બાજુ લાગેલી છે. 

મંદિરમાં ક્યારેય નથી વાગતી ઘંટડી 

માતા સરસ્વતીને જ્ઞાન, કલા અને સંગીતની દેવી માનવામાં આવે છે. અને એવુ પણ કહેવામાં આવે છે કે સરસ્વતીજીની સાધના કરવાથી મનને શાંતિ મળે છે. તેથી આ જ કારણે અહીં ક્યારેય ઘંટ કે અન્ય કોઈ વાદ્ય વગાડવામાં આવતું નથી. મંદિરમાં વિન્ડ ચાઇમ છે, જે પરંપરાગત રીતે ખાસ પ્રસંગોએ વગાડવાની પરંપરા છે.