મુંબઇ : મહારાષ્ટ્ર પોલીસે કોલ્હાપુર, અહમદનગર સહિત ત્રણ જિલ્લામાં ગત બે દિવસમાં છ વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે. જ્યારે એકની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટને લીધે સાંપ્રદાયિક તણાવની પરિસ્થિતિ વધી ગઇ છે.

કોલ્હાપુરથી ૨૯ વર્ષીય યુવકને પકડવામાં આવ્યો છે તેણે સોશિયલ મીડિયા પર ‘ભારત કા રાજા’ના લખાણ સાથે ટીપુ સુલતાનનો ફોટાસ્પોસ્ટ કર્યો હતો. જેના કારણે બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ થઇ હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

કોલ્હાપુર અને અહમદનગરમાં ૧૮મી સદીના મૈસૂરના શાસક ટીપુ સુલતાન તથા ઔરંગઝેબની કેટલીક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરાતા ગયા અઠવાડિયે સાંપ્રદાયિક તણાવ અને હિંસાની ઘટનાઓ જોવા મળી હતી.

પોલીસે કોલ્હાપુર, અહમદનગર અને નાશિક જિલ્લામાં છેલ્લા બે દિવસમાં છ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે અને એમાંથી કોલ્હાપુરથી એકની ધરપકડ કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. આરોપીઓમાં અહમદનગરના પારનેરના ૨૨ વર્ષીય યુવકનો સમાવેશ છે તેણે પણ સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી. નાશિકના માલેગાવમાં બે જૂથો વચ્ચે વૈમન્સ ઉભી કરવા બદલ ઉત્તર પ્રદેશના ચાર જણ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

કોલેજના વિદ્યાર્થી માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજવાના બહાને તેમાયે ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયત્ન કર્યો હોવાનો આરોપ છે. તેમણે અમૂકને ધર્મ પરિવર્તન કરવા ઉશ્કેર્યા હોવાની પણ ચર્ચા થઇ રહી છે.

કોલ્હાપુરમાં ગયા અઠવાડિયે સાંપ્રદાયિક તંગદિલીને પગલે કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા હતા. આ સિવાય ૩૧ કલાક સુધી ઇન્ટરનેટ સેવા બંધ રહી હતી.

કોલ્હાપુરમાં આ બનાવના સંબંધમાં ચાર કેસ નોંધી ૪૧ જણની ધરપકડ કરાઇ હતી. અહમદનગરના સંગમનેરમાં ફકીરવાડા ખાતે એક સરઘસ દરમિયાન ઔરંગઝેબના પોસ્ટર સાથે જોવા મળેલા ચાર જણ સામે ગુનો નોંધાયો અને બે દિવસ પછી હિંદુ સંગઠન દ્વારા આયોજિત રેલી પર પથ્થરમારાની ઘટના બની હતી.