આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને હવે રશિયાનું સસ્તું ઓઇલ મળવાનું શરૃ થઇ ગયું છે. આજે પ્રથમ વખત એક રશિયન ઓઇલ ટેન્કર ૪૫૦૦૦ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઇને કરાંચી પહોંચી ગયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે આ માહિતી આપી હતી.

શરીફના જણાવ્યા અનુસાર પાકિસ્તાને ૨૦ એપ્રિલે રશિયા પાસેથી ઓછા ભાવે ક્રૂડ ઓઇલનો પ્રથમ જથ્થો ખરીદ્યો હતો અને હવે તેની ડિલિવરી થઇ ગઇ છે. જેને રશિયા-પાકિસ્તાન વચ્ચેના સંબધોની નવી શરૃઆત માનવામાં આવે છે.

રશિયાનું ઓઇલ ટેન્કર પાકિસ્તાન પર પહોંચવા પર શેહબાઝ શરીફે જણાવ્યું હતું કે મેં દેશને આપેલ વધુ એક વચન પૂર્ણ કર્યુ. આજે મને એ જાહેરાત કરતા આનેંદ થઇ રહ્યો છે કે પ્રથમ રશિયન ઓઇલ કાર્ગો કરાંચી પહોંચી ગયું છે.

પાક. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આ રશિયા અને પાકિસ્તાનની વચ્ચે નવા સંબધોની શરૃઆત છે. અમે સમૃદ્ધિ, આર્થિક વિકાસ અને ઉર્જા સુરક્ષાની દિશામાં એક પગલું આગળ વધ્યા છે.

પાકિસ્તાનમાં હાલમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૨૬૨ રૃપિયા છે. આ સ્થિતિમાં રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડ મળવું એક વરદાનથી ઓછું નથી. સસ્તું ક્રૂડ મળવાને કારણે પાકિસ્તાનના લોકોને મોૅઘવારીથી કંઇક અંશે રાહત મળશે. પાકિસ્તાન રશિયા પાસેથી દરરોજ એક લાખ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદે તેવી શક્યતા છે.