રથયાત્રા એ હવે કોઇ ધાર્મિક પર્વ રહ્યો નથી પરંતુ લોકોત્સવ બની ગયો છે. ગાંધીનગરમાં ૩૧ કિલોમીટર લાંબી રથયાત્રા કોમી એકતાનાા સંદેશા સાથે નિકળે છે ત્યારે આ વખતે વિવિધ રોડ અને સેક્ટરોમાં વિકાસ કામોની કામગીરી ચાલું હોવાને કારણે સમિતિએ જનરલ બેઠક મળી તે પહેલા જ રૃટ ટૂંકાવી દેતા ભક્તોમાં ભારે નારાજગી ફેલાઇ છે. રથયાત્રા સફળતા પુર્વક યોજાય તે માટેની જવાબદારી કોર્પોરેશન સહિત વિવિધ તંત્રના માથે હોય છે આવી સ્થિતિમાં સમિતિ દ્વારા રૃટ ટૂંકાવાનો જે નિર્ણય કર્યો છે તેના સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે.

કોઇ વનવગડામાં મંત્રી કે સંત્રી જવાના હોય તો ત્યાં રાતોરાત નવા રોડ બની જતા આપણે જોયા છે તો જગતનો નાથ જગન્નાથ અષાઢીબીજના એક જ દિવસે નગરચર્યાએ જતો હોય છે આવી સ્થિતિમાં ભગવાનના રૃટમાં પડેલા ખાડા દૂર કરવા માટે સરકારી તંત્ર કેમ ઉદશીનતા સેવે તે ખબર પડતી નથી. રથયાત્રા સમિતિ દ્વારા પરંપરાગત રૃટમાં ગટર-પાણીના ખોદકામનું સમારકામ કરવા અને યોગ્ય પુરાણ કરીને રોડ ઉપર રથયાત્રા સરળતાથી નિકળે તે માટે કોર્પોરેશનના અધિકારી-પદાધિકારીઓના અગાઉ સંપર્ક કર્યો હતો પરંતુ ત્યાં યોગ્ય કામગીરી નહીં કરી હોવાનું બહાનું આગળ ધરીને સમિતિ દ્વારા શુક્રવારે સમિતિની જનરલ બેઠક મળે અને તેમાં વિવિધ મંડળો સુચનો કરે તે પહેલા જ રૃટ નક્કી કરી દેવામાં આવ્યો છે જેને લઇને નગરના શ્રધ્ધાળુંઓને ભારે નારાજગી થઇ છે.

૩૧ કિલોમીટરનો રૃટ ફક્ત ૧૪ કિલોમીટરનો કરી દેવામાં આવ્યો છે તેમાં પણ ખાસ કરીને ઘ અને ચ રોડ ઉપર જ યાત્રા ફરશે તેવું કહી દેવામાં આવ્યું છે ત્યારે યાત્રા સફળતા પુર્વક નિકળે તે માટેની જવાબદારી કોર્પોરેશન, પોલીસ સહિતના વિવિધ તંત્રના માથે છે તેમ છતા સમિતિ દ્વારા રૃટ ટૂંકાવી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જ્યાં મેટ્રોને કારણે રસ્તા બંધ છે ત્યાં ભલે યાત્રા ન જાય અને જ્યાં ખોદકામ કરવામાં આવ્યું છે તેનું યોગ્ય પુરાણ કોર્પોરેશન દ્વારા કરી દેવામાં આવવાની સાથે પરંપરાગત રૃટ ઉપર યાત્રા નિકળે તેવી ભક્તોની માંગણી અને લાગણી છે.