વડોદરામાં ઘણા વિસ્તારોમાં પાણીની વિતરણ વ્યવસ્થામાં ખામી હોવાથી ક્યાંક પૂરતું પાણી મળે છે, તો ઘણા સ્થળે પાણીનું પ્રેશર જ નથી હોતું .કોર્પોરેશનની વર્ષો જૂની પાણીની લાઈનો લીકેજ થવાથી પાણી બગાડ તેમજ વિસ્તાર અને વસ્તી વધતા જૂની લાઈનો સક્ષમ નહીં રહેવાથી પાણીના પ્રશ્નો ઊભા થાય છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 14માં 2.36 કરોડના ખર્ચે પાણી વિતરણનું નેટવર્ક સુધારવામાં આવશે. આ માટે સ્ટેન્ડિંગ સમિતિમાં બે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. શહેરના પૂર્વ ઝોન વહીવટી વોર્ડ નં. 14 માં ગાજરાવાડી વિસ્તારમાં ગાજરાવાડી પાણીની ટાંકીથી રબારીવાસ, કુંભારવાડા, ગાજરાવાડી, દાલિયાવાડી તથા પ્રતાપનગર વિહાર ટોકીઝના આસપાસના વિસ્તારોમાં પાણીનું વિત૨ણ ક૨વામાં આવે છે. જે પૈકી ગાજરાવાડી પાણીની ટાંકીથી વિહાર ટોકીઝ સુધીના વિસ્તારમાં હાલની જૂની 500 મીમી વ્યાસની પાણીની લાઈન થી પાણી વિતરણ કરવામાં આવે છે. આ જુની હયાત લાઈન વારંવા૨ લીકેજ થાય છે. ટાંકીથી રોડ ક્રોસ કરી વિહાર ટોકીઝ સુધીની લાઇન પર ઘણા સમારકામ ક૨વામાં આવેલ છે. જેથી રોડ ઉપ૨ વારંવાર લીકેજ થવાને કારણે રોડ તોડીને લીકેજ દુરસ્તીની કામગીરી થતી હોઇ છે. વારંવાર થતા લીકેજ થી સમારકામની નિભાવણી ખર્ચનું આર્થિક ભા૨ણ વધી જાય છે. ગાજરાવાડી ટાંકીથી વિહાર ટોકીઝ સુધી આ જૂની મુખ્ય ડીલીવરી લાઈનના સ્થાને સલાહકારની ડિઝાઇન મુજબ 600 મીમી વ્યાસની લાઈન નાખવાના કામનું આયોજન ક૨વામાં આવેલ છે. જે માટે ત્રણ વખત પ્રયાસ કરી ટેન્ડર મંગાવ્યા હતા. અંતે 1.36 કરોડનું ટેન્ડર સ્ટેન્ડિંગ સમિતિએ મંજુર કર્યું. આ ઉપરાંત શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં વહીવટી વોર્ડ નં-6 માં કારેલીબાગ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં મંગ્લેશ્વર ઝાંપા તથા તેની આજુબાજુના વિસ્તારોમાં ઘણા સમયથી પાણીના લો-પ્રેશરને લગતા વિકટ પ્રશ્નો છે. જેથી આજુ-બાજુના સુચિત વિસ્તારોને પાણી પૂરતા પ્રેશર થી પુરું પાડવા કન્સલ્ટનને વર્ક ઓર્ડર આપવામાં આવેલ. કન્સલ્ટન્ટ દ્વારા નવી પાણીની લાઈન નાખવાના કામનો પ્રાથમીક અંદાજ ૨જૂ ક૨વામાં આવતા તેને મંજૂરી મળ્યા બાદ ટેન્ડર મંગાવતા આશરે 1 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે.

By admin