મઢડાવાળી માતા : સૌરાષ્ટ્રની અનેક જ્ઞાતિઓને નવજીવન આપનાર આઈ સોનલ માં નો ઇતિહાસ.

એક વખત એવો આવ્યો હતો જ્યારે દેવીપુત્રો ગણાતા ચારણોની કવિતાઓ માત્ર રાજદરબારની ખુશામત કરનારી જ બની ગઈ હતી. ગુજરાતની આ ગુણવાન-શૌર્યવાન કોમ એ અંધકારના યુગમાં નિર્ગુણ-નિર્બળ બનવા જઈ રહી હતી. જો કે, આ દશા માત્ર ચારણો પૂરતી જ સીમિત હતી તેવું નહોતું. ઘણાં વરણની આ સ્થિતી હતી. આવી અંધાર ભરેલા યુગમાં સાક્ષાત્ શક્તિ સ્વરૂપ આઇ સોનલ માતાએ ચારણ જ્ઞાતિનો ઉધ્ધાર કર્યો. ચારણોને પગભર બનાવ્યા, ખુમારીથી જીવતા કર્યા, અંધશ્રધ્ધાથી મુક્ત કર્યા અને તેજવાન બનાવ્યા. સોનલ માતાનો એ જ પ્રતાપ બીજી જ્ઞાતિઓ જેવી કે મહિયા, હાટી, કાઠી, કોળી, પરજીયા સોની,  મેર , આયર, રબારી અને બીજી ઘણીખરી જ્ઞાતિઓ પર પણ પડ્યો. ગુજરાતના ગુણવાન સમાજ સુધારકોની યાદીમાં સોનલ માનું નામ ઉચ્ચ સ્થાને છે. અહીં સોનલ માતાજીનો ભવ્ય ઇતિહાસ, એમનું જીવનકવન આજની યુવાપેઢીને માર્ગદર્શક અને વડીલ મુરબ્બીજનોને સંભારણું બને એ હેતુથી રજૂ કર્યો છે.

તુંબેલકુળની દીકરી, મઢડા તારું ગામ!:

જૂનાગઢ જિલ્લાના કેશોદ પાસે આવેલું નાનકડું મઢડા ગામ. આજે પણ આ ગામમાં માંડ ૭૦૦ જણાની વસ્તી છે. અહીં ૮ ડિસેમ્બર,૧૯૨૪ (સંવત ૧૯૮૦) અને પોષ મહિનાની સુદ બીજના દિવસે તુંબેલકુળના ચારણ હમીર મોડ અને રાણબાઈના ઘરે પાંચમી દીકરીનો જન્મ થયો. બાળકીનું મુખ તો જાણે આભલે મઢ્યું રતન! હમીર મોડે સૂપડાંને બદલે થાળી વગડાવી અને જાણે દીકરો અવતર્યો હોય એવી ઉજવણી કરી. સરકડીયા નેસના ચારણઆઈ સોનબાઈએ હમીર મોડની સેવાથી પ્રસન્ન થઈને કહેલું, “હમીર! તારે ઘરે પાંચમી દીકરી અવતરશે એ પ્રતાપી થશે. જગતમાં નામ કરશે. ચારણોનું કુળ તારશે. એનું નામ મારા નામ પર રાખજે!” હમીર મોડને એ વચન યાદ આવ્યું અને દીકરીનું નામ પડ્યું સોનબાઈ! બાળપણથી જ અલખ પ્રત્યે માતાજીનો આરાધ અદ્ભુત હતો.

લગ્નને દિવસે જ સંન્યાસ!:

મઢડામાં મોટું થઈ રહેલું આ રતન ખરેખર દૈવી હતું. નાનપણથી એની બુધ્ધિ મેઘાવી હતી, સૌજન્ય અપ્રતિમ હતું. જેમ-જેમ સમજણ વધી એમ ચારણોમાં ઘર કરી ગયેલા કુરિવાજો એમને અકળાવા લાગ્યા. ઘરસંસાર માંડવાની જરાય ઇચ્છા ન હોવા છતાં માતા રાણબાઈની હઠને વશ થઈ દેવદાન ચારણને પરણ્યા. પણ પ્રથમ દિવસે જ પતિને કહી દીધેલું કે, “મારું મન સંસારમાં નહી ચોંટે, ચારણ! તું બીજા લગ્ન કરી લેજે.” દેવદાન ગઢવી પણ અલગ જ માટીના માનવી હતા. કહી દીધું કે, “તારા જેવી જોગમાયાએ મારા નામનું ઓઢણું એકવાર ઓઢી લીધું, હવે બીજાં લગ્ન કરે એ આ ચારણ નહી!” અને તેઓ પણ આજીવન કુંવારા જ રહ્યા!

સમાજ સુધારણા માટે લીધો ભેખ:

આઇ સોનબાઈ આજીવન કુંવારા રહ્યાં. બ્રહ્મચર્ય સાથે એમની પ્રભુભક્તિ પણ અલૌકિક હતી. જો કે માતાજી માત્ર હાથમાં માળા લઈને બેસી રહેનાર ન હતાં. એમને તો ઉધ્ધાર કરવો હતો – અંધારમાં અથડાતા ચારણોનો! અને એ હેતુસર માતાજીનો પગ મઢડામાંથી નીકળ્યો એ પછી ક્યાંય જંપીને બેઠો નહી! સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ચારણો તેમની દૈવીવાણીથી અંજાયા. કચ્છના પ્રમાણમાં પછાત ચારણોને યુગની સાથે થવા માટેની ગતિ પ્રદાન કરવા તો સોનબાઈ અથાક મચ્યાં. તમારાં છોકરાંને ભણાવો: સોનબાઈમાં લાગલગાટ ૨૭ વર્ષ સુધી ચારણસમાજને સમાજનું મોભી સ્થાન ફરી અપાવવા માટે મથ્યાં. તેઓનું કહેવું હતું કે, આજના યુગ પ્રમાણે ભણશો તો જ આગળ વધશો. ખોટા ભૂવા-ભરાડીમાં માનવાનું કે એવા થવાનું બંધ કરો. પરમ શક્તિમાં શ્રધ્ધા રાખો. નિડર બનો અને પુરુષાર્થ કરો. કમાણી કરો અને સમૃધ્ધ બનો. તમારા સંતાનોમાં શિક્ષણનું સિંચન કરવાનું ચૂકશો નહી. ચારણોના મૂળ સંસ્કારને પાછા લાવવા અને ચારણોની અસ્મિતાને પુન:જીર્વિત કરવા માતાજીએ ૧૯૭૦માં ‘આઇ સોનલ ચારણ સભા’ની સ્થાપના કરી. ચારણ હિતવર્ધક સભાને ફરી બેઠી કરી. કચ્છના ચારણો માટે ચારણસમાજની પણ રચના કરી. ચારણોમાં કન્યાવિક્રય-વરવિક્રયની કુપ્રથા અટકાવી.

કણેરી ( કેશોદ ) માં અખિલ ભારતીય ચારણ સંમેલનમાં ગર્જના:

માતાજીની ઉંમર માત્ર ૩૦ વર્ષની હતી ત્યારે કેશોદ પાસેના કણેરી ગામમાં તેમણે અખિલ ભારતીય ચારણ સંમેલન યોજ્યું. સાડા ત્રણ પાળાની આખી ચારણ જ્ઞાતિ ઉમટી પડી. હકડેઠઠ મેદની ભરાણી. દેશના ખૂણેખૂણેથી ચારણો આવ્યા. એ અધિવેશનમાં આઇ સોનબાઈએ જે ગર્જના કરી, જે વચનો કહ્યાં, એ કહેવાની એ વખતમાં કોઈની તાકાત નહોતી. માતાજીએ ચારણોને ઢંઢોળ્યા : ધૂણો નહી! ધૂણવાનું મૂકી દો. ચારણ હોય એ ધૂણે નહી. જનાવરના લોહી પીવાં એ આપણો ધર્મ નથી. દારૂ ત્યાગો, માંસ-મદિરા છોડો. આ બધું અસુરો માટે છે. આપણે સંસ્કારી પ્રજા છીએ. આપણે માટે આ નથી! ચારણ તો પોતાનાં આપબળે આગળ આવે. આ જગારો આ સંમેલનમાં હાજર સર્વે દેવીપુત્રોને સજાગ કરી ગયો. માતાજીએ મૂકેલો આ તણખો આજે ચારણોમાં ક્રાંતિની મશાલ બન્યો છે. ગુલામ ભારતના એ સંક્રાતિ કાળમાં માતાજીનો પરિચય રવિશંકર મહારાજ, ભાવનગર મહારાજ અને જૂનાગઢ નવાબ સહિતના અનેક લોકોને થયેલો.

૫૧ વર્ષે દેહત્યાગ:

માતાજી ઘણું ઝઝૂમ્યાં. માત્ર ચારણો માટે નહી, સૌરાષ્ટ્ર-ગુજરાતની કાઠી, પરજિયા સોની, મહિયા, હાટી,  રાજપૂત,  મેર સહિતની અનેક કોમમાં રહેલા કુરિવાજો માતાજીના પ્રતાપે દૂર થયા. સૌરાષ્ટ્રના કાઠી અને મહિયા દરબારો તો આજે પણ માતાજીને નિત્ય સ્મરે છે! માતાજી ગાતાં પણ બહુ સારું. જયમલ્લભાઈ પરમાર નોંધે છે કે, સોનબાઈ પાસેથી તેમના ભરાવદાર કંઠમાં સાંભળેલું શિવસ્રોત તો હજી સ્મરણમાં છે. ૧૯૭૪ના ઉનાળામાં ચારણોએ જૂનાગઢમાં માતાજીનો વાનપ્રસ્થાશ્રમ પ્રવેશનો પ્રસંગ ઉજવ્યો. કહેવાય છે, કે જેની અહીં જરૂર તેની ત્યાં પણ જરૂર! આ પછી માતાજી માંડ ૬ મહિના જીવ્યાં. ૧૯૭૪ના નવેમ્બર મહિનામાં કારતક સુદ-૧૩ ના દિવસે તેમણે દેહત્યાગ કર્યો. આ સમાચાર ગુજરાતભર માટે આઘાતજનક હતા. હજુ હમણાં જૂનાગઢમાં જાજવલ્યમાન ભાસતાં સોનબાઈને જેમણે જોયાં હતાં તેમને તો આ વાતનો વિશ્વાસ આવવો જ મુશ્કેલ હતો! પણ ૫૧ વર્ષની વયે અમદાવાદમાં માતાજીએ આ ફાની દુનિયા છોડી દીધી.
અલબત્ત, આજે ભલે દેહરૂપે તેઓ આપણી વચ્ચે નથી પણ જ્યોતિ તો આજે પણ ઝળહળે છે. એ અમર છે. એની કીર્તિ કદી આથમવાની નથી. પોષ મહિનાની બીજ આવે એટલે જાણે માનવનો મહેરામણ મઢડામાં હલકે છે. ‘સોનલબીજ’ની ઉજવણી માત્ર ગુજરાત પૂરતી જ સીમિત ન રહી, દેશ-વિદેશમાં પણ થાય છે. માતાજીનાં કાર્યો પ્રત્યે આજે પણ સમાજ નતમસ્તક છે. આઇ સોનબાઈ ના અવતર્યાં હોત તો શું થાત? દુહામાં ચારણો આનો જવાબ આપે છે :
ચીલો શક્તિ વડ તણો, ચારણ ચૂકી જાત;
(જો) જન્મી ના હોત જગતમાં, મઢડાવાળી માત!
નેહડામાં સોનાનો સુરજ ઉગ્યો!:
સોનબાઈનો જ એ પ્રતાપ છે કે આજે ગીરના ઘોર જંગલોની વચ્ચે નેહડામાં રહીને ભેંસોના દૂધ પર ગુજરાન ચલાવતો, ટાણેટાણાનું કરતો માલધારી ચારણ બચ્ચો પણ લગીરેય નેકી ચૂકતો નથી અને કલેક્ટરના હોદ્દા પર બેઠેલો દેવપુત્ર પણ મફતનું ખાતો નથી! દુલા કાગ તો સોનબાઈને ચારણરૂપી સગરપુત્રોનો ઉધ્ધાર કરવા ધરતી પર અવતરેલી ભાગીરથી સાથે સરખાવે છે :
બ્રહ્મલોક મઢડ હમીર ભગીરથ, શિવ સોરઠ શિર ધરી વહ ધાર ખળખળ નીર નિર્મળ, આઈ ગંગા અવતરી;
ઓધારવા તન સગર-ચારણ, નેસડામાં નીસરી* નવલાખ પોષણ અકળ નર હી, એ જ સોનલ અવતરી!
ચારણ સહિતની સૌરાષ્ટ્ર ખાડે ગયેલી કોમના ખૂંતેલા ગાડાંને ટેકવીને ફરી વાર સ્વમાનથી જીવતી કરનારા સોનબાઈનાં હ્રદયમાં છેવટ સુધી ભક્તિ, સમાજસુધારણા અને કરૂણા જેવાં તત્ત્વો ધબકતાં હતાં. દુ:ખ તો એમને પણ પડેલું. સહન તો તેઓએ પણ ઘણું કરેલું. પણ એ બધું મૂંગે મોઢે! માતાજી પોતે વ્યક્તિપૂજાને મહત્ત્વ આપવામાં જરાય માનતા નહી. પણ આજે આપણે એટલું તો માનવું જ પડે કે આ વ્યક્તિ ના હોત તો હજુ આપણે અમુક દુષણોથી મુક્તિ મેળવી ના શક્યા હોત અને ઝડપથી આગળ વધતા યુગ સાથે કદમ ના મિલાવી શક્યા હોત!
ચોરીએ ચડીયલ માત સોનલ કોડીએ રમતી હતી,
વરમાળ ફેંકી વેગડી ગોપાલને ભજતી હતી;
જગઝાળ છોડેલી જોગણી, બ્રહ્મચારિણી વ્રત પાળ્યાં,
અણમોલ હાં હાં અમ તણાં એ દિવસ ક્યાં જાતા રિયા?
સોનલ માં જન્મભૂમિ મઢડા (કેશોદ)
સોનલ માં કર્મભૂમિ કણેરી (કેશોદ)
જય માં સોનલ