ગુજરાત હાઇકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વૈભવી નાણાવટી, નિર્ઝરકુમાર દેસાઈ અને નિખિલ કરિયલની જજ તરીકે નિમણૂક કરી છે. આ ત્રણેય જજે આજે (રવિવાર) સવારે 10 વાગ્યે શપથ ગ્રહણ કર્યા હતા.વૈભવી નાણાવટી, નિર્ઝરકુમાર દેસાઇ અને નિખિલ કરિઅલને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ જે.બી પારડીવાલાએ શપથ ગ્રહણ કરાવ્યા હતા.જેનું યુટ્યૂબ ઉપર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું.ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમમાં યોજાયેલા શપથવિધિ કાર્યક્રમમાં વકીલોએ ઓનલાઈન હાજરી આપી હતી. તેમજ શપથગ્રહણ સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.સુપ્રીમકોર્ટના કોલેજિયમે ભલામણ કરી હતી 14મી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના કોલેજિયમની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત હાઇકોર્ટ તરફથી જજની નિયુક્તિ માટે આવેલાં નામોની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતાં એડવોકેટ વૈભવી નાણાવટી, નિર્ઝરકુમાર દેસાઇ અને નિખિલ કરિઅલને હાઇકોર્ટના જજ તરીકે નિયુક્તિ કરવાની ભલામણ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે કરી હતી. કોણ છે નવ નિયુક્ત ત્રણેય જજ, જજ તરીકે નિયુક્તિ પામેલા વૈભવી દેવાંગ નાણાવટીએ વર્ષ 1995માં પ્રેક્ટિસ શરૃ કરી હતી અને હાઇકોર્ટના વિદ્ધાન ધારાશાસ્ત્રીઓમાં તેમની ગણના થાય છે. તેઓ મુખ્યત્વે કોન્સ્ટિટયુશનલ, સિવિલ, ક્રિમીનલ, એજ્યુકેશન, લેન્ડ લૉ અને સર્વિસ ક્ષેત્રે પ્રેક્ટિસ કરે છે. જ્યારે નિર્ઝર દેસાઈએ 1997માં પ્રેક્ટિસ શરૂ કરી હતી. કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ છે. તેઓ મુખ્યત્વે કોન્સ્ટિટયુશનલ, સિવિલ, ક્રીમિનલ અને સર્વિસ ક્ષેત્રના કેસોની પ્રેક્ટિસ કરે છે. તેઓ સરદાર સરોવર નિગમની પેનલના એડવોકેટ હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે તેમણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ રજૂઆતો કરી હતી. નિખિલ કરિઅલ પણ વરિષ્ઠ વકીલ છે. કોન્સ્ટિટયુશનલ, સર્વિસ, સિવિલ સહિતની કાયદાની વિવિધ શાખાઓમાં પ્રેક્ટિસ કરતા હતા.

By admin