રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે નવરાત્રિના આયોજન અંગે લોકોમાં ઉત્સુકતા વધી રહી છે. જો કે આ મામલે રાજ્ય સરકાર હજુ સુધી નિર્ણય લઈ શકી નથી. નવરાત્રિ આડે માત્ર બે અઠવાડીયા જ બાકી હોવાછતાં ગરબાની મંજરી આપવા અંગે ગુજરાત સરકાર અસમંજસમાં છે. આ પહેલા મોટા મેદાનમાં ગરબાને મંજૂરી નહીં આપવામાં આવે કહ્યા બાદ આજે નાયબ મુખ્યમંત્રીના સૂર બદલાયા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે 200 લોકો સાથે રિઓપનની નવી ગાઈડ લાઈન મુજબ ગરબા યોજાઈ શકે છે. 30 સપ્ટેમ્બરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે રાજ્યમાં મોટા ગરબા આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા હાલમાં નથી. ગ્રામ્ય કક્ષાએ કે પછી શહેરોમાં શેરીગરબા સંદર્ભે કેવી રીતે મંજૂરી આપવી એ મુદ્દે સરકારે હાલ કોઈ નિર્ણય કર્યો નથી. ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન્સ આવે અને તેમાં જે છૂટછાટ અપાય તેના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. 26 સપ્ટેમ્બરે સરકારે વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ રદ્દ કર્યો અગાઉ રાજ્યના તમામ મોટા ગરબા આયોજકો ગરબા રમાડવાનો ઇનકાર કરી ચૂક્યા છે. દિવ્ય ભાસ્કરે આ સમાચાર 12 સપ્ટેમ્બરે પ્રસિદ્ધ કર્યા હતા. આ પછી જ ચર્ચા શરૂ થઈ હતી કે સરકાર શું નિર્ણય કરે છે? ત્યાર બાદ 26 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોરોનાના કારણે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનારા વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને રદ કરાયો છે. ચાલુ વર્ષે વાઈબ્રન્ટ નવરાત્રી હવે ઇ-પ્લેટફોર્મ પર યોજવાની વિચારણા વિશ્વના સૌથી મોટા નૃત્યોત્સવ તરીકે રાજ્ય સરકારે વાયબ્રન્ટ નવરાત્રીને વિશ્વભરમાં પ્રસિદ્ધ કરી છે ત્યારે દર વર્ષની જેમ આ વખતે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હજારો ખેલૈયાઓની હાજરીમાં ઉજવણી નહીં કરવાનો નિર્ણય લીધો છે પરંતુ તેને હવે ઇ-પ્લેટફોર્મ મારફતે લોકો નિહાળી શકે તે માટે નવરાત્રીના નવ દિવસ સુધી દરરોજ એક ઐતિહાસિક મંદિર ખાતે ખેલૈયાઓના એક ગૃપ દ્વારા ગરબા રમાય અને તેનું ઓનલાઇન વેબકાસ્ટીંગ થાય તેવું આયોજન પ્રવાસન વિભાગ દ્વારા વિચારાઇ રહ્યું છે. આ માટે અંબાજી, પાવાગઢ, બહુચરાજી સહિતના મંદિરોમાં પરંપરાગત રાસ-ગરબાનો કાર્યક્રમ યોજવાનું આયોજન થઇ રહ્યું છે.રાજકોટના સૌથી મોટા સહિયર અને સરગમ ક્લબ ગ્રુપ રાસોત્સવ નહીં યોજે રાજકોટમાં કોરોના સંક્રમણ વધવાના કારણે તાજેતરમાં જ શહેરના બે અર્વાચીન રાસ ગરબા સંચાલકોએ આ વર્ષે આયોજન રદ કરવાની જાહેરાત કરી છે. રાજકોટ મોટા ગણાતા સહિયર અને સરગમ ગ્રુપના સંચાલકો દ્વારા નવરાત્રિ રદની જાહેરાત કરી છે.

By admin