પોરબંદર તા.૨, પોરબંદર, આણંદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૦ ટકા નળ જોડાણની ઉપલબ્ધી નિમિતે ચારેય જિલ્લામાં નલ સે જલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણી, જલ શક્તિ મંત્રાલયના કેન્દ્રિયમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, પાણી પુરવઠા મંત્રીશ્રી કુવરજીભાઇ બાવળીયા ડીઝીટલ માધ્યમથી ઓનલાઇન જોડાઇને સરકાર દ્રારા કરાયેલ ૧૦૦ ટકા નળ જોડાણની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ કે, ગામડાઓમાં આત્મા ગામડાની અને સુવિધા શહેરની મળે, જ્યા માનવી ત્યા સુવિધા મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આવનારા સમયમાં આપણે સાથે મળીને હર ઘર નળથી જળ પહોંચાડીને હેન્ડપંપ મૂક્ત ગુજરાત બનાવીશું. પીવાના પાણીનો દૂકાળ ભૂતકાળ બનાવવો છે. સરકારે નર્મદાના પાણીને દૂર દૂર સુધી પહોંચાડીને નેવાના પાણીને મોભે ચડાવવા જેવી કામગીરી કરી છે. આ પ્રસંગે કેન્દ્રિય જલશક્તિ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ગુજરાત સરકાર, પાણી પૂરવઠા વિભાગ તથા ચારેય જિલ્લાવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તથા આવનારા દિવસોમાં વધુને વધુ જિલ્લાઓ આ સિધ્ધિ પ્રાપ્ત કરે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પાણી પુરવઠામંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ કહ્યુ કે, જે વિસ્તારોમાં પીવાના પાણી પહોંચાડવાની ક્ષતિ હતી તેવા વિસ્તારોને આઇડેન્ટી ફાઇ કરાયા છે. પાણીના એક એક ટીપાની કિમત કરી પાણીનો બગાડ ન થાય તે રીતે પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં પાઇપ લાઇનની મદદથી પહોંચાડવામાં આવશે. આ યોજના વધુ સાકાર થાય તેવા પ્રયાસો કરાશે. તાજાવાલા હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રભારીમંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ આ સિધ્ધિ બદલ જિલ્લાવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લાના કુલ ૧૫૦ ગામોમાં કુલ ૬૪૧૧૪ ઘરોને નળ જોડાણ મારફત ૧૦૦ ટકા ઘરોને પીવાનું પાણી નળ જોડાણ મારફત મળી રહેશે. જિલ્લાકક્ષાનાં આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષભાઇ મોરી, પ્રભારી સચિવ એમ.જે.ઠક્કર, કલેકટર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, જિલ્લા પોલીસવડા રવિકુમાર સૈની, પાણી પુરવઠાના ચિફ ઇન્જીનીયર ભાવનાબેન મિસ્ત્રી સહિત અધિકારીઓ પદાધિકારીઓ તથા જુદા જુદા ગામવાસીઓ સામાજિક અંતર રાખી, માસ્ક પહેરીને ઉપસ્થિત રહ્યા હતા.

By admin