ડૉ.બાબાસાહેબ આંબેડકર એક એવા મહામાનવ છે કે જેમના જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ એક–દોઢ મહિના પહેલા શરૂ કરવામાં આવે છે. આપણા ભારત દેશમાં લોકપ્રિય નેતાઓ, પ્રતિભાઓની જન્મદિવસની ઉજવણી થાય છે. જેમાં મોટેભાગે સરકાર તરફથી જાહેર રજા ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ થાય છે. પરંતુ આ બધી ઉજવણી ફક્ત એક દિવસ પૂરતી સીમિત હોય છે. બીજા દિવસથી બધું રાબેતા મુજબ. જયારે ભીમજયંતીની ઉજવણીની તૈયારીઓ એક થી દોઢ મહિના પહેલા શરૂ કરવામાં આવે છે.

સંગઠનો દ્વારા ઉજવણી
દેશના ખૂણે ખૂણે બહુજન સંગઠનો દ્વારા એક મહિના પહેલા કાર્યક્રમો ગોઠવાઇ જાય છે. વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ડાન્સ સ્પર્ધા, રમતગમત સ્પર્ધા, ગીત સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ભીમડાયરા, ભીમ ગરબા વગેરે જેવા અઢળક કાર્યક્રમો એક મહિના પહેલાથી જ કરવામાં આવે છે. જેમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના તમામ લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે. એક મહિના પહેલા રોજે રોજના કાર્યક્રમોની યાદી બનાવવામાં આવે છે કે કયા દિવસે કઈ સ્પર્ધા રાખવામાં આવશે અને દરરોજ કંઈક નવું થતું રહે છે. જેમાં દરેક વ્યક્તિ નાનું હોય કે પછી મોટું હોંશભેર ભાગ લે છે. વિચારો તો ખરા કે આવી ભવ્ય રીતે કોનો જન્મ દિવસ ઉજવાતો હોય છે! આવી ભવ્ય રીતે કોઈ દેવીદેવતાનો જન્મદિવસ પણ નથી ઉજવાતો…

પ્રતિમાની સ્થાપના
સમગ્ર ભારતમાં સૌથી વધુ પ્રતિમાઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરની છે. આ દિવસે બહુજન સંગઠનો દ્વારા પોતાના વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ મુકવામાં આવે છે. જેથી 365 દિવસ તેઓ તેમને જોઈ શકે અને તેમને યાદ કરી વંદન કરી શકે.

પરિવાર સાથે ઉજવણી
14 મી એપ્રિલ બહુજનો માટે સૌથી મોટો તહેવાર છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી ફક્ત સંગઠનો પૂરતી સીમિત નથી. પરંતુ, લોકો પોતાના ઘરે પણ ઉજવે છે. આ દિવસે તો લોકો નવા કપડાં પહેરે છે, ઘરે રંગોળી કરે છે, બુદ્ધ વંદના કરે છે, આખો દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે, રાત્રે લોકો પોતાના ઘરોમાં દીવા પ્રગટાવે છે, પોતાના ઘરોને રોશનીથી સજાવે છે, અવનવા પકવાન બનાવીને આરોગે છે, મીઠાઈઓ રંધાય છે, અને નાના બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવે છે……

બહુજન સાહિત્યકારો દ્વારા ઉજવણી
14 મી એપ્રિલના એક મહિના પહેલા જ વિવિધ ઓડિયો – વિડિઓ સોન્ગ્સ રિલીઝ કરવામાં આવે છે. શોર્ટ ફિલ્મો પણ રિલીઝ થાય છે. બહુજન ડાયરાઓનું આયોજન થાય છે. 14 મી એપ્રિલ માટે બહુજન સાહિત્યકારોને એક મહિના પહેલા બુકીંગ કરાવવું પડે છે. નવા નવા પુસ્તકો પ્રકાશિત થાય છે. બહુજન છાપાઓ – મેગેઝીનોમાં બાબાસાહેબ પર વિશેષાક પ્રસિદ્ધ થાય છે. કવિઓ કવિતાઓ લખે છે અને ગીતકારો ગીતો લખે છે.

વિદેશમાં ઉજવણી
ડૉ. બાબાસાહેબના જન્મદિવસની ઉજવણી ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જ્યાં જ્યાં બહુજન સમાજના લોકો છે ત્યાં ત્યાં ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. આવી મહાન હસ્તી સમગ્ર ભારતમાં એક જ છે.

અને કેમ ના હોય!  બાબાસાહેબ એક એવી વિભૂતિ હતા જેમણે કરોડો લોકોને જીવનદાન આપ્યું, સન્માનપૂર્વક જીવવા કાયદાઓ આપ્યા, મહિલાઓને વિશેષ અધિકારો કાયદામાં અપાવ્યા, ક્યારે કેવી પરિસ્થિતિમાં કેમ વર્તવું? તેવાં વિચારો આપ્યા. તમે વિચારી તો જુઓ કે બાબાસાહેબ જો આ દુનિયામાં આવ્યા જ ન હોત તો મહિલાઓની શું હાલત હોત? બહુજનોની શું હાલત હોત? આવો આ 14 એપ્રિલની ઉજવણીમાં ભાગ લઈ ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરીએ… તેમના ચીંધેલા માર્ગ પર ચાલીએ…. બહુજન સમાજનું નિર્માણ કરીએ…

કલમના કસબી : બકુલાબહેન સોલંકી

૧૪ એપ્રિલ વિશેષ

ડૉ. બાબાસાહેબ જન્મજયંતિ નિમિત્તે શરૂઆત પબ્લિકેશન અમદાવાદ તરફથી એક વિશેષાંક પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ વિશેષાંકમાં બાબા સાહેબના અલગ અલગ વિષયો પરના, અલગ અલગ લેખકો ના વિશેષ આર્ટિકલોનો સમાવેશ કરવામાં આવે છે, આ અંગે વધુ જાણકારી માટે અહી click કરો અને તમારી પાસે કોઈ બેનમુન આર્ટીકલ હોય તો ક્લીક બટન પર જઈને વધુ માહિતી મેળવો – સંપર્કસૂત્ર કૌશિકભાઈ પરમાર

By admin