જામનગરમાં સિઝનનું સૌથી ઊંચુ ૩૯.પ ડીગ્રી તાપમાન નોંધાયુંઃ કાળઝાળ ગરમી

એપ્રિલના આરંભથી જ આકરો ઉનાળોઃ

જામનગર તા. ૩ઃ એપ્રિલ માસના આરંભે ઉનાળો વધુ આક્રમક બન્યો હોય તેમ નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ર.૧ ડીગ્રીના વધારા સાથે સિઝનમાં સૌ પ્રથમ વખત મહત્તમ તાપમાનનો પારો ૩૯.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. કાળઝાળ ગરમીથી જનતા ત્રાહિમામ્ પોકારી ઊઠી હતી.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં એપ્રિલ માસના પ્રારંભે ઉનાળો વધુ આક્રમક બની ગયો છે. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ર.૧ ડીગ્રીના વધારા સાથે સિઝનમાં સૌ પ્રથમ વખત મહત્તમ તાપમાન ૩૯.પ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ગઈકાલે ખાસ કરીને બપોરના સમયે કાળઝાળ ગરમીથી જનતા ત્રાહિમામ્ પોકારી ઊઠી હતી. નભમાંથી જાણે અગનવર્ષા થઈ રહી હોય તેમ લાગી રહ્યું હતું. ગરમીથી બચવા માટે લોકોએ ગોળનું પાણી, લીંબુ સરબત સહિતના ઠંડાપીણા તથા ઋતુગત્ ફળોનો સહારો લીધો હતો. જામનગરમાં લઘુત્તમ તાપમાન ૧૯.૬ ડીગ્રી નોંધાયું હતું. નગરમાં આજે સવારે પુરા થતાં ચોવીસ કલાક દરમિયાન ચાર ટકાના વધારા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ર ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.