પતિ સામે કર્યો આક્ષેપ: સાંસદ પુત્રે પણ વિડીયો બનાવી પત્ની પર મુક્યો આરોપ

ઉત્તરપ્રદેશના મોહનલાલગંજ થી ભાજપ સાંસદ કૌશલ કિશોરના પરિવારનો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ છે. હવે સાંસદની વહુએ તેમના ઘરની બહાર પહોંચીને પોતાના હાથની નસ કાપી નાંખી છે. આત્મહત્યાના પ્રયાસ પહેલાં સાંસદની વહુનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે હું મરવા જઇ રહી છું.

ભાજપ સાંસદ કૌશલ કિશોરની વહુ અંકિતાએ તેમના ઘરની બહાર હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તેને હોસ્પિટલ પહોંચાડાઇ છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આની પહેલાં અંકિતાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેણે આત્મહત્યા કરવાની વાત કહી હતી અને પોતાના પતિ આયુષ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પોલીસ આ કેસની તપાસ કરી રહ્યું છે.

અંકિતાએ વીડિયોમાં કહ્યું કે હું આત્મહત્યા કરવા જઇ રહી છું ત્યારબાદ તે સાંસદ કૌશલ કિશોરના દુબગ્ગા સ્થિત ઘરે સ્કૂટી પર પહોંચી અને હાથની નસ કાપી નાંખી. જો કે વીડિયો બાદ તેને ટ્રેક કરી રહેલી પોલીસે આનન-ફાનનમાં તેને હોસ્પિટલ પહોંચાડી જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

અંકિતાએ પોતાના વીડિયોમાં કહ્યું હતું કે હું કોઇની સાથે લડી શકું તેમ નથી કારણ કે તારા પપ્પા સાંસદ અને માતા ધારાસભ્ય છે, મારું કોઇ સાંભળશે નહીં, મેં આજ સુધી કોઇને તને હાથ લગાવા દીધો નથી, તો હું તને કેવી રીતે મારી શકું છું, તું કેટલું જુઠ્ઠું બોલી રહ્યો છે, તે અને તારા ઘરવાળાઓએ મને જીવવા દીધી નથી.

અંકિતાએ કહ્યું કે ઘરનું ભાડું આપ્યું નથી, ગેસ સિલિન્ડર ભરાવ્યો નથી, એકવાર પણ વિચાર્યું નહીં કે હું શું ખાઇશ, જો તું મારી પાસે આવીશ નહીં તો મારે રહેવું પણ નથી, હું જઇ રહી છું, હું જઇ રહી છું અને તું મને યાદ રાખીશ અને વિચારીશ કે મારાથી વધુ પ્રેમ કરનાર તને બીજું કોઇ મળશે નહીં. મારા મરવાનું કારણ તું અને તારા ઘરવાળા, હું જઇ રહી છું.

આની પહેલાં અંકિતાએ પોતાના પતિ આયુષ અને તેના પરિવારવાળાઓનો નાર્કો ટેસ્ટ કરાવાની માંગણી કરી હતી. સાથો સાથ અંકિતાએ આ આખા કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવાની માંગણી પણ કરી હતી. આયુષ કિશોરની પત્ની અંકિતાએ કહ્યું હતું કે યુપીની પોલીસ પર તેને વિશ્વાસ નથી આ કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવી જોઇએ.

ભાજપ સાંસદ કૌશલ કિશોરના ભાગેડુ પુત્ર આયુષે એક વીડિયો રજૂ કરીને પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેને વીડિયોમાં સ્પષ્ટ કહ્યું કે તેને પત્ની અંકિતા સિંહે ફસાવ્યો છે. તેણે કહ્યું કે તે સરેંડર કરી દેશે. તેણે કોઇ ખોટું કામ કર્યું નથી તેણે જાતે ગોળી ચલાવી નથી. જો તે દિવસે ઘરમાં હોત તો તેની હત્યા કરી દેવાત.

By admin