રાજકોટમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે રામનાથપરામાં મકાન પચાવી પાડવા વ્યાજખોરે નિવૃત્ત કલાર્કને છરીના ઘા ઝીંકી દેતા તેને હોસ્પિટલ ખસેડાયા છે. 4 વર્ષ પહેલા 20 ટકા વ્યાજે લીધેલા 60 હજારના પાંચ લાખ ચૂકવી દેવા છતાં હજુ રૂા.4.80 લાખની માંગણી કરતો હોવાનો આક્ષેપ કર્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, રામનાથપરામાં હુસેની ચોકમાં રહેતા મહમદભાઈ હનીફભાઈ કુરેશી (ઉ.વ.65) નામના પ્રૌઢ આજે સવારે ઘર પાસે હતા ત્યારે ત્યાં જ રહેતા હનીફ અબ્દુલ આરબ અને અજાણ્યા શખ્સે ઝઘડો કરી હનીફે સાથળના ભાગે છરીના ઘા ઝીંકી દેતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

પ્રાથમિક તપાસમાં મહમદ હનીફભાઈ અગાઉ રામનાથપરા હાઈસ્કૂલમાં કલાર્ક તરીકે નોકરી કરતા હતા. હાલમાં નિવૃત્ત છે. તેમના જણાવ્યા મુજબ, ચારેક વર્ષ અગાઉ તેમણે હોસ્પિટલ માટે નાણાની જરૂરિયાત જણાતા પાડોશમાં રહેતા હનીફ અબ્દુલ પાસેથી રૂા.60 હજાર 20 ટકાના વ્યાજે લીધા હતા. વ્યાજખોરે મકાનનું સાટાખત પણ કરાવી લીધું હતું.

ત્યારબાદ 60 હજારના પાંચ લાખ ચૂકવી દેવા છતાં વ્યાજખોર હજુ રૂા.4.80 લાખની માંગણી કરતો હોય અને મકાન પચાવી પાડવા માટે તેણે આજે સવારે ફરીથી રૂપિયાની માંગણી કરી છરીના ઘા ઝીંકી દીધા હતા.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

By admin